સુરત: ધી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA) ની 21 સભ્યોની મેનેજિંગ કમિટીની ચૂંટણી આગામી તા.13/04/2025 ના રોજ યોજાવા જઇ રહી છે. આ ચૂંટણી માટે 176 દાવેદારો ફોર્મ લઈ ગયા હતા અને ફોર્મ ભરવાના અંતિમ દિવસે 108 ફોર્મ ચૂંટણી કમિશનર સમક્ષ જમા થયા હતા.
- 24 મી માર્ચે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થશે
- ચેમ્બર, ક્રેડાઇ, ટેનિસ ક્લબના અગ્રણીઓએ ઉમેદવારી કરી ચૂંટણી રોચક બનાવી
આજે 20 માર્ચે ફોર્મ ચકાસણી થશે અને 24 માર્ચ સાંજે 4 વાગ્યા સુધી ઉમેદવારો ફોર્મ ખેંચી શકશે. ચૂંટણી પંચ માન્ય ઉમેદવારોની યાદી 25 માર્ચે જાહેર કરશે. 13 એપ્રિલે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે મતદાન થશે અને મતદાન પૂર્ણ થયાના અડધો કલાક પછી મતગણતરી શરૂ થશે.
વર્ષ 2025-27ની ચૂંટણીમાં ચેમ્બર, ક્રેડાઇ, ટેનિસ ક્લબના અગ્રણીઓએ ઉમેદવારી કરી ચૂંટણી રોચક બનાવી છે. સ્ટેડિયમ પેનલના અગ્રણી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર સામે તેમના સગા ભાભી અને સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરના પત્ની નયનાબેન કોન્ટ્રાક્ટરની લાલભાઇ પેનલે 21થી વધુ દાવેદારો પાસે ફોર્મ ભરાવી ક્રિકેટ જગતને ચોંકાવી દીધા છે.
તેમની બંને દીકરીઓ યેશાબેન કોન્ટ્રાક્ટર અને અક્ષરા કોન્ટ્રાક્ટરે પણ ઉમેદવારી નોંધાવી છે. તો સ્ટેડિયમ પેનલ વતી કનૈયાભાઈ કોન્ટ્રાકટરના બંને પુત્રોએ પણ દાતાની બેઠક પર ઉમેદવારી નોંધાવી છે.
આ બે પેનલો ઉપરાંત ત્રીજી પરિવર્તન પેનલના ઉમેદવારોની પેનલ પણ મેદાનમાં છે. બે વર્ષ અગાઉ કનૈયાભાઈ કોન્ટ્રાકટર અને સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરની પેનલ સામે પરિવર્તન પેનલ બનાવી ચૂંટણીમાં ઝંપલાવનાર વિપુલ મુનશી કોન્ટ્રાક્ટર પરિવારની લડાઈમાં પોતાના 5/7 ઉમેદવારો સ્ટેડિયમ પેનલમાં ગોઠવી દેવા સોગઠી મારી ચૂક્યા છે.
જોકે એને લઈને પરિવર્તનના જે અગ્રણીઓને સ્ટેડિયમ પેનલમાં સ્થાન મળી શકે એમ નથી તેઓ નારાજ જણાઈ રહ્યા છે. બીજી તરફ નયનાબેન કોન્ટ્રાક્ટરની લાલભાઇ પેનલમાં ગોઠવાઈ જવા પરિવર્તન પેનલના અગ્રણીઓ તકની રાહ જોઈ રહ્યા છે. જોકે ચિત્ર ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સ્પષ્ટ થશે.
