રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 26.38 કરોડના ખર્ચે 26 એમ્બ્યુલન્સ ખરીદીને તેને કચ્છથી જાંગ સુધી સેવામાં જોડી દેવામાં આવી છે ત્યારે હવે કોરોનાની કપરી સ્થિતિમાં સરકાર દ્વારા વધુ 90 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવનાર છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત સારવાર પુરી પાડવા માટે નવી ૯૦ એમ્બ્યુલન્સ ખરીદવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉપયોગ માટે ખરીદવામાં આવનાર આ નવી ૯૦ પૈકી ૭પ એમ્બ્યુલન્સ ૧૦૮ની સેવાઓ માટે તથા ૧૫ એમ્બ્યુલન્સ રાજ્યની જનરલ હોસ્પિટલોને ફાળવવામાં આવશે. જેના પરિણામે દર્દીઓને અપાતી આરોગ્ય સેવામાં વધારો થશે. અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 150 એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 150 એમ્બ્યુલન્સ અંદાજિત 26.38 કરોડના ખર્ચે ખરીદવામાં આવી હતી.