શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર કલાકે વધી રહી છે. છેલ્લા 4 દિવસમાં ‘108’ એમ્બ્યુલન્સ દ્વારા 1000થી વધારે કોરોનાના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં રિફર કરાયા છે. જે કોરોનાની ભયાનક સ્થિતિનું વર્ણન કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં આ કોલ બસોની આસપાસ હોય છે.
કોરોનામાં સંક્રમિત થતા દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન નહીં પણ દર કલાકે વધી રહી છે. શહેરની ખાનગી હોસ્પિટલો ઉભરાયા બાદ નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલ તથા સ્મીમેર પણ ફુલ થઈ ગઈ છે.
દર્દીઓને હવે બેડ નથી મળતાં તો ઓક્સિજન, વેન્ટિલેટરની પણ અછત સર્જાઈ રહી છે. આવા સંજોગોમાં તંત્ર સામે કોરોનાના દર્દીઓને બચાવવા અને દાખલ કરવાની સુવિધા આપવા પણ પડકારો ઉભા થઈ રહ્યાં છે. શહેરમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા હાલ ‘108’ એમ્બ્યુલન્સ સતત દોડી રહી છે.
શહેરમાં સામાન્ય દિવસોમાં 24 કલાકમાં 35 જેટલા કોલ ‘108’ ને મળે છે. અત્યારે કોરોના વિસ્ફોટ થતાં દર 24 કલાકમાં 200થી વધારે કોલ મળી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં ‘108’ ને કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ દર્દી બાબતે 1000થી વધારે કોલ મળ્યા છે.
‘108’ની 28 એમ્બ્યુલન્સ સતત દોડી રહી છે
શહેર અને જિલ્લામાં મળીને કુલ 28 જેટલી ‘108’ એમ્બ્યુલન્સ કાર્યરત છે. શરૂઆતમાં ચારેક એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવી હતી. પરંતુ હવે રોજના 200 થી વધારે કોલ મળતા એમ્બ્યુલન્સ સતત દોડી રહી છે. એક દર્દીને હજી મુકીને દાખલ નથી કરાવ્યો ત્યાં બીજો કોલ રાહ જોતો હોય છે. એક અનુમાન મુજબ દર કલાકે 9 દર્દીઓને ‘108’ એમ્બ્યુલન્સ લાવી રહી છે.
પરિસ્થિતિ બેકાબૂ બનવા તરફ
સુરત ‘108’ ના ઓફિસર ફૈયાઝ પઠાણે જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધારે બેકાબૂ બનવા તરફ છે. જો લોકો હજી પણ નહીં સમજે તો ‘108’ માં દર્દીઓને બદલે લાશો જ લઈ જવી પડશે.