બાળકોના ભવિષ્ય સાથે અન્યાય થતા વાલીઓ દ્વારા ખુલ્લો પડકાર , જગ્યા નથી તો કેમ પ્રવેશ ઉત્સવ કરો?
8 મહિના અગાઉ જશવંતસિંહ ભાભોરના હસ્તે 2 ઓરડા સહિત બીઆરસી ભવનનું ભૂમિપૂજન કરી નેતાઓ ગાયબ, કામગીરી ટલ્લે
હવે આ કામગીરી થશે કે કેમ કે પછી નવેસરથી ભૂમિ પૂજન કરવામાં આવશે તેવી લોકોમાં ચારે કોર ચર્ચા.
દાહોદ: એક તરફ રાજ્ય સરકાર શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા પ્રવેશોત્સવ કરી રહી છે ત્યારે સંજેલી નગરની ઇંગ્લીશ માધ્યમ સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરવા શિક્ષકો પણ નથી. બેસવા માટે ઓરડા પણ નથી. બાળકોના ભવિષ્યનું શું થશે? તાલુકા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા સંજેલીમાં જર્જરિત ઓરડામાં બેસી અભ્યાસ કરવા માટે બાળકો મજબુર બન્યા છે. બાળકોના વાલી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. રમશે ગુજરાત જીતશે ગુજરાતના સુત્રો ગજવી સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરી રહી છે પરંતુ જર્જરીત ઓરડામાં બાળકો જીવને જોખમે અભ્યાસ કરી રહ્યા છે. બાળકોના વાલી દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને ખુલ્લો પડકાર કરાયો હતો કે બાળકોને બેસવાની વ્યવસ્થા નથી તો કેમ તમે બાળકોને પ્રવેશોત્સવ કરી રહ્યા છો ? 108 જેટલા બાળકો વચ્ચે એક જ શિક્ષક છે. અનેક જગ્યાએ મૌખિત રજૂઆત કરી પણ અમારું કોઈ સાંભળતું નથી. અમે તાલુકા વિકાસ અધિકારી, શિક્ષણ અધિકારી, સહિત સરપંચ ને પણ જાણ કરી પણ અમારું કોઈ સાંભળતું નથી. નવીન ઓરડાનું ભૂમિપૂજન થયા ને આઠ મહિના જેટલો ટાઈમ થઇ ગયો છતાં હજી સુધી કામગીરી કેમ ટલ્લે ચડી છે, નવા ઓરડા વહેલી તકે બનાવવા જોઈએ. શાળા આગળ મુખ્ય રોડ આગળ જ ગંદકીથી ભરપૂર,સ્વચ્છતાનો અભાવ, શિક્ષક નો અભાવ,શિક્ષકોની ભરતી કરવા, વહેલી તકે ઓરડા બનાવી વ્યવસ્થા કરી આપવા બાળકોના વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરાઈ છે.
