SURAT

સુરતમાં 105 વર્ષ પહેલાં ઠક્કર ચંપકલાલ મગનલાલ દૂધવાલા પેઢી આ રીતે લોકો સુધી દૂધ પહોંચાડતા

સુરતીઓ તો ખાવાના દિવાના છે. હોળી પર શ્રીખંડ, રવા મેંદાની પૂરી અને ઘેવરનો સ્વાદ લેવાનું ચૂકતા નથી. દૂધના માવાની મીઠાઈઓ સુરતીઓના અવનવા અવસરો અને તહેવારોમાં મીઠાશ ભરી દે છે. આજના દૌરમાં તો સુરતીઓને દૂધ અને તેની પ્રોડક્ટ્સ મળવી ખૂબ સરળ બની ગયું છે કારણકે, આજે શહેરના દરેક વિસ્તારમાં 3-4 કરતા વધારે દૂધની ડેરી મળી જશે. પણ 105 વર્ષ પહેલા સુરતનો વિસ્તાર ખૂબ નાનો હતો. ત્યારે દૂધ સહકારી મંડળીઓનું અસ્તિત્વ પણ નહીં હતું. એ સમયે સિટીમાં દૂધ ક્યાંથી આવતું ? લોકોને દૂધ કઈ રીતે મળી રહેતું ? તે પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

105 વર્ષ પહેલા મગનલાલ સેવકરામ ઠક્કરે સુરતીઓને સરળતાથી દૂધ મળી રહે તે માટે નવસારી બજારમાં ડેરી શરૂ કરી હતી. તેઓ લોકોને તેમની ડેરી સુધી દુધ લેવા માટે આવવું નહીં પડે તે માટે ખુદ સાયકલ પર ફેરી મારતા અને લોકોને તેમની જરૂરિયાત પ્રમાણેનું દૂધ આપતા. સમય જતા તેમના દીકરાએ ધંધાનો વિસ્તાર કરીને દહીં, શ્રીખંડ, રબડી અને માવો, મલાઈનું વેચાણ શરૂ કર્યું. આજના સમયમાં તો ઘરે પણ દૂધની થેલી અને છૂટક દૂધની ડિલિવરી થઈ જતી હોય છે. આવા સમયમાં પણ ઠક્કર ચંપકલાલ મગનલાલ દૂધવાલાની ડેરી પર દૂધ અને તેની વિવિધ સ્વાદિષ્ટ પ્રોડક્ટ્સ લેવા લોકોનો ઘસારો રહે છે તો શા માટે? તે આપણે આ ડેરીનાં ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

પનીર બનાવવા ગ્રાહકો પાસેથી એડવાન્સમાં પૈસા લેવાતા: રસેશભાઈ ઠક્કર
આ ડેરીના ત્રીજી પેઢીનાં સંચાલક રસેશભાઈ ઠક્કરે જણાવ્યું કે પહેલા પનીર બનાવવાનું ચલણ નહીં હતું કારણકે, દૂધને રોજીરોટી ગણવામાં આવતું એટલે દૂધને ફાડવામાં નહીં માનતા એને કારણે જ્યારે કોઈ ગ્રાહક પનીરની ડીમાંડ કરે તો તેની પાસેથી એડવાન્સમાં પૈસા લેવામાં આવતા. પહેલા હોટેલ-રેસ્ટોરન્ટમાં પણ પનીરની સબ્જી પીરસવામાં નહીં આવતી પણ મલાઈ કોફતાનું વધારે ચલણ હતું. રસેશભાઈએ જણાવ્યું કે, એક વખત એક ગ્રાહકે તેમને 5 કિલો પનીર બનાવવાનો ઓર્ડર આપ્યો હતો, પણ પછી તે કેન્સલ કરતા બનાવેલું પનીર વેચવા હું ઘણી હોટેલ અને રેસ્ટોરન્ટમાં ગયો હતો. પણ ત્યારે પનીરની સબ્જીનું ચલણ નહીં હોવાથી કોઈએ પણ તે પનીર નહીં ખરીદ્યું એટલે તે એમને એમ પડી રહેવાને કારણે ખરાબ થતા અમારે ફેંકી દેવું પડ્યું હતું.

કોરોના કાળમાં પનીર, માખણ, ચિઝનું વેચાણ વધી ગયું હતું: ચિરાગ ઠક્કર
આ ડેરીના ચોથી પેઢીનાં સંચાલક ચિરાગભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં 2 દિવસ ડેરી બંધ રહી હતી. ત્યાર બાદ દૂધ જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુમાં આવતું હોવાથી સવારે 6.30 વાગે દુકાન ચાલુ કરતા. કોરોનામાં લોકો માવાની મીઠાઈ ખાતા ડરતા હતા પણ શ્રીખંડ વધારે ખવાતો. પનીર, માખણ, ચિઝનું વેચાણ ત્યારે વધી ગયું હતું. એ વખતે એક જ કલાકની પાસની મંજુરી મળી હતી. સવારે 6 પહેલા દુકાન પણ ખોલવા દેવામાં નહીં આવતી. કોરોના કાળમાં પહેલા સવારે 6થી 10 ડેરી ચાલુ રાખતા બાદમાં 11 વાગ્યાં સુધીનો ટાઈમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બપોરના 12 વાગ્યાં સુધીનો કરવામાં આવ્યો હતો. મેં ધંધાને નવી ઊંચાઈએ લઈ જવા માટે ડેરી ઘી, ગાયનું ઘી તથા જામખંભાળિયા ઘી નું હોલસેલનું કામ શરૂ કર્યું તથા મીઠાઈવાળા, કેટરર્સ તથા કરીયાણા-ગાંધીને ઘીના મોટા ડબ્બા સપ્લાય કરવાનું હોલસેલનું કામ શરૂ કર્યું.

પ્રથમ દુકાન 1972માં એલાઈમેન્ટમાં smcએ તોડી પાડી હતી
મગનલાલ ઠક્કરનું નાની વયમાં નિધન થતા તેમના પુત્ર ચંપકલાલ ઠક્કરે દુકાનની બાગડોર પોતાના હાથમાં લીધી હતી. ચંપકલાલે ધંધાનું વિસ્તરણ કર્યું હતું. પહેલા માત્ર દૂધ વેચવામાં આવતું બાદમાં પંજાબી દહીં, મલાઈ, વિવિધ ફ્લેવરના શ્રીખંડ અને મઠો વેચવાનું શરૂ કર્યું હતું. ધી જામખંભાળિયાથી મંગાવવામાં આવતું.1972 સુધી તેમની ડેરી નવસારી બજાર ચાર રસ્તા પર ખાડી પૂલ પર હતી. smc એ અલાઇમેન્ટમાં આ દુકાન સાથે અન્ય 8થી 10 દુકાન તોડી પાડી હતી તે વખતના મેયર ગોરધનદાસ ચોખાવાળાને નવી દુકાન ફાળવી આપવા રિકવેસ્ટ કરતા નવસારી બજાર શાકમાર્કેટમાં smcની જગ્યામાં દુકાન ફાળવી આપવામાં આવી હતી. જે 1984 સુધી ત્યાં જ હતી, એ પછી નવસારી બજાર ચાંદલાવાડમાં હાલની જગ્યા પર ડેરી શરૂ કરી હતી. તેમનો ધંધો આગળ ધપાવવામાં તેમના મોટા દીકરા કિરણભાઈનું ખૂબ મોટું યોગદાન રહ્યું હતું. કિરણભાઈ ભણવાની સાથે ડેરીનું કામકાજ પણ સંભાળતા હતા. કિરણનભાઈએ B.COM., LLB સુધીનો અભ્યાસ કર્યો હતો.

18 પૈસા લીટરનું દૂધ 19 પૈસા થતા દૂધ વિક્રેતા રડ્યા હતા
રસેશભાઈ ઠક્કરે જણાવ્યું કે એક સમય એવો હતો કે જ્યારે એક લીટર દૂધ 18 પૈસામાં મળતું. ત્યારે તો એક-એક પાઈનું મહત્વ હતું. એ સમયે દૂધ લીટરે એક પૈસા વધીને 19 પૈસા થતા ગ્રાહકો પર ભારણ વધતા ગ્રાહકો માટે ચિંતા કરતા દૂધ વિક્રેતાઓ ભાવ વધારો થતાં રડી પડયા હતા. 1964-65માં એક કિલો ઘી 15 રૂપિયામાં મળતું. હવે ઘી 620 રૂપિયે કિલો મળે છે.

પહેલા દૂધના કેન નહીં હતા ત્યારે પિત્તળ, તાંબાના દેગડામાં દૂધ રાખતા
પહેલાના સમયમાં દૂધના કેન નહીં હતા. ત્યારે દૂધ વિક્રેતા પિત્તળ અને તાંબાના દેગડામાં દૂધ રાખતા જે 20-25 લીટરના રહેતા. એ વખતે દેગડામાંથી દૂધ છલકાય નહીં તે માટે સ્પેશ્યલ ઢાંકણા બનતા. એ સમયે ગ્રાહકોને દૂધ બાટલીમાં કે થેલીમાં નહીં મળતું એટલે ગ્રાહકો ડેરી પર પોતાના ઘરનું વાસણ લઈને દૂધ લેવા આવતા.

મલાઈનો ઓર્ડર એક દિવસ પહેલા વાસણ મૂકી જઈને આપે છે
ચિરાગભાઈ ઠક્કરે જણાવ્યું કે, હવે ઉનાળો શરૂ થવાનો છે. એની સાથે જ હવે દહીંની આઈટમ, ફ્લેવર્ડ લસ્સી અને કોલ્ડ કોકોનું વેચાણ વધી જતું હોય છે. શિયાળામાં વિવિધ પ્રકારના વસાણા ખાવાનું ખૂબ ચલણ હોય છે ત્યારે તેમાં ઘી વાપરતા શિયાળામાં ઘીની ડિમાન્ડ ખૂબ વધી જાય છે. વળી શિયાળામાં સુરતી લોકોમાં મલાઈ ખાવાનું ચલણ જોવા મળે છે. તાજી મલાઈ માટે એક દિવસ પહેલા લોકો અમારી દુકાને વાસણ મૂકીને ઓર્ડર આપે છે. ગોપીપુરાના જૈન ઝવેરી પરિવારો જે મુંબઈ શિફ્ટ થઈ ગયા છે તે જ્યારે સુરત ગોપીપુરા આવે ત્યારે અમારી દુકાનમાંથી મલાઈ ઘરે ખાવા લઈ જાય છે. તથા શિયાળામાં જામખંભાળિયાંનું ઘી લઈ જાય છે કારણકે, મુંબઈમાં આ ઘી નથી મળતું.

સ્વ. કાશીરામ રાણા મિત્ર હોવાથી તેમની રેલી જતી ત્યારે દુકાન પાસે ઉભા રહેતા
સુરતના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય કપડા મંત્રી સ્વ. કાશીરામ રાણા અને ચંપકલાલ ઠક્કરના પુત્ર સ્વ. કિરણભાઈ ઠક્કર વચ્ચે મિત્રતા હતી. તેઓ બંને બર્ફીવાલા કોલેજમાં સાથે B.com કરતા હતા. કાશીરામ રાણા પહેલા ગોપીપુરામાં રહેતા હતા ત્યારે તેમની જ્યારે પણ રેલી નીકળતી હતી ત્યારે આ ડેરી પર નજર પડતા દુકાન પાસે ઉભા રહેતા હતા.

1968ની રેલમાં દુકાનના દરવાજા તૂટી ગયા હતા 2006માં લાખોનું નુકસાન
રસેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે 1968માં પણ સુરતમાં ભયંકર રેલ આવી હતી ત્યારે જૂની દુકાન હતી અને તેના દરવાજા લાકડાના હતા જે તૂટી ગયા હતા. જેને કારણે દુકાનની અંદરના બધા વાસણ બહાર પાણીમાં તરવા લાગ્યા હતા. એ રેલમાં પણ ખાસ્સુ નુકસાન થયું હતું અને 2006ની રેલમાં ત્રણથી ચાર લાખ રૂપિયાના માલ સામાનને નુક્સાન થયું હતું. દુકાનમાં 5 ફૂટ જેટલું પાણી ધુસ્યું હતું. આ રેલ આવી તેના એક દિવસ બાદ રક્ષાબંધન હતી એટલે અમે શ્રીખંડ, મઠો, બાસુંદી બનાવી હતી તેને નુકસાન ઉપરાંત દૂધ, છાશને પણ નુકસાન થયું હતું. ત્રણ ફ્રીજ પણ ક્ષતિગ્રસ્ત થયા હતા. રાતના જ પાણી ભરાવાનું શરૂ થયું હોવાથી દુકાને માલ બચાવવા આવી શક્યા નહીં હતા.

મુંબઇના લોકો સવારે ટ્રેનમાં આવે ત્યારે મલાઈ, શ્રીખંડ અને પોંક લઈ જાય છે
રસેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, મુંબઈના લોકો જ્યારે સવારની ટ્રેનમાં સુરત આવે ત્યારે અમારી દુકાનેથી મલાઈ અને શ્રીખંડ લઈ જાય છે. તથા પોંકની દુકાનમાંથી પોંક લઈને સાંજની ટ્રેનમાં મુંબઈ પાછા ફરે છે. મુંબઈના કેટરર્સ મલાઈ લેવા માટે મુંબઈથી આઇસ બોક્સ લઈને આવે છે. આ રીતે મલાઈ ખાસતો ફંકશનના જમણવાર માટે લઈ જતા હોય છે. આ આઇસ બોક્સમાનો બરફ ગેસ વાળો હોય છે જે પીગળે નહીં. મલાઈનો ઓર્ડર એડવાન્સમાં આપતા હોય છે.

સ્થાપક મગનલાલ ઠક્કર પાસે ઘોડાગાડી હતી તેના માટે તબેલો હતો
આ પેઢીની સ્થાપના 1917માં મગનલાલ સેવકરામ ઠક્કરે કરી હતી. એ સમયે તેમની ડેરીમાં દૂધ સિટીની આસપાસના તે વખતના ગામડા ગણાતા અડાજણ, અલથાણ, ભીમરાડથી આવતું. એ સમયે દૂધ સહકારી મંડળીઓ નહીં હતી. તેઓ સાયકલ પર ફેરી મારી લોકો સુધી દૂધ પહોંચાડતા. તેમની પાસે ઘોડાગાડી પણ હતી. તેના માટે નવસારી બજાર દક્ષિણી મોહલ્લામાં તબેલો પણ હતો. એ વખતે તેમની ડેરી નવસારી બજાર ચાર રસ્તા પર ખાડીની ઉપર પુલ પર હતી. એ વખતે 1940 સુધી તેમની એક માત્ર ડેરી હતી. તેમણે ડેરીનું નામ તેમના પુત્ર ચંપકલાલના નામ પર રાખ્યું હતું. આ ડેરીની ઓળખ C.M. ડેરી તરીકેની પણ છે. તેમનું નિધન 1947માં થતા ડેરીની બાગડોર પુત્ર ચંપકલાલે પોતાના હાથમાં લીધી હતી.

Most Popular

To Top