Business

શેરબજારે માત્ર સાડા છ મહિનામાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો!

નવી દિલ્હી: ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક પ્રદર્શન કરી રહ્યું છે. બુધવારે તા. 3 જુલાઈ ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના મુખ્ય સૂચકાંક સેન્સેક્સે પ્રથમ વખત 80,000 નો ઐતિહાસિક આંકડાને સ્પર્શ કર્યો હતો. આ સિદ્ધિ વધુ ખાસ બની જાય છે કારણ કે શેરબજારે માત્ર સાડા છ મહિનામાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. સેન્સેક્સમાં હજુ પણ તેજી તરફની દોડ ચાલુ છે. આજે ગુરુવારે તા. 4 જુલાઈએ શરૂઆતના વેપારમાં તે 334.99 પોઈન્ટના વધારા સાથે 80,321.79ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

માત્ર 6.5 મહિનામાં 10,000 પોઈન્ટનો રેકોર્ડ જમ્પ
ગયા વર્ષે ડિસેમ્બર 2023માં 70,000ના સ્તરે પહોંચ્યા બાદ સેન્સેક્સે માત્ર 6.5 મહિનામાં 10,000 પોઈન્ટ્સની રેકોર્ડબ્રેક સફર પૂર્ણ કરી છે. આ સિદ્ધિ 3 જુલાઈ, 2024ના રોજ સેન્સેક્સે હાંસલ કરી હતી. 3 જુલાઈએ સેન્સેક્સે પહેલી વાર 80,000ના ઐતિહાસિક આંકડાને સ્પર્શ કર્યો હતો.

શેરબજારના ઈતિહાસમાં સૌથી ઝડપી 10,000 પોઈન્ટની તેજી
તમને જણાવી દઈએ કે શેરબજારના ઈતિહાસમાં સેન્સેક્સની 10,000 પોઈન્ટની આ સૌથી ઝડપી તેજી છે. આ તેજી કેટલી ઝડપી હતી તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે સેન્સેક્સને 60,000 થી 70,000 સુધી પહોંચવામાં 222 સેશન લાગ્યા, જ્યારે 70,000 થી 80,000 સુધી પહોંચવામાં માત્ર 139 સેશન લાગ્યા.

માર્કેટમાં ઉછાળા પાછળ HDFC બેંકનો મોટો ફાળો છે
આ ઉછાળામાં સૌથી મોટો ફાળો HDFC બેંકનો રહ્યો છે. HDFC અને તેની બેંકિંગ આર્મના મર્જર પછી તે સેન્સેક્સમાં સૌથી વધુ વેઇટેજ ધરાવે છે. જૂન 2024 ક્વાર્ટર માટે તેના શેરહોલ્ડિંગને પ્રકાશિત કર્યા પછી HDFC બેન્કના શેરમાં 2.2%નો વધારો થયો છે.

શેરહોલ્ડિંગથી જાણવા મળ્યું છે કે બેંકમાં વિદેશી હિસ્સો ઘટીને 54.8% થયો છે. છેલ્લા 5 વર્ષમાં સેન્સેક્સ 40,000ના આંકને વટાવી ગયો છે ત્યારથી, ટાટા મોટર્સ અને મહિન્દ્રા સેન્સેક્સમાં સૌથી વધુ ઉછાળો મેળવનાર છે. આ કંપનીઓના શેર અનુક્રમે 426% અને 358% વધ્યા છે.

ભારતનો નિફ્ટી વિશ્વના ટોચના 3 શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્ટોક ઇન્ડેક્સમાં સામેલ છે
વિશ્વભરના શેરબજારની વાત કરીએ તો ભારત હાલમાં સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે. ભારતનો નિફ્ટી વિશ્વના ટોચના 3 શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સ્ટોક સૂચકાંકોમાં સામેલ છે. 11 ડિસેમ્બર, 2023 થી 3 જુલાઈ, 2024 સુધી, ભારતનું નિફ્ટી 16% ની વૃદ્ધિ સાથે વિશ્વ બજારોમાં ત્રીજા ક્રમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શેરબજાર રહ્યું છે.

Most Popular

To Top