સુરત(Surat) : કસ્ટમ (Custom) ઓફિસની સિસ્ટમ ખોટકાવાના લીધે સુરતના હીરાવાળાના (Diamond) રૂપિયા 1000 કરોડના પાર્સલ (Parcel) આખરે છૂટા થયા છે, જેના લીધે હીરાવાળાઓએ રાહત અનુભવી છે. આ પાર્સલ ક્લીયર કરવા માટે સુરત કસ્ટમ ઓફિસની કચેરીના સ્ટાફે રવિવારની રજામાં પણ કામ કર્યું હોવાની વિગતો સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી અને ક્રિસમસની સામી સિઝને ગયા અઠવાડિયે સુરત કસ્ટમ્સનું ઓનલાઇન પોર્ટલ હેંગ થઈ જતાં રફ ડાયમંડના 500થી વધુ કન્સાઈનમેન્ટને ક્લીયરન્સ મળ્યું નહોતું, જેના લીધે સુરતનાં હીરા ઉદ્યોગકારો અકળાયા હતા. ડાયમંડ કંપનીઓએ વૈશ્વિક મંદીના માહોલમાં 1000 કરોડની કિંમતના 500થી 600 રફ ડાયમંડના પાર્સલ ઇમ્પોર્ટ કર્યા હતા પણ કસ્ટમ ઓફિસની સિસ્ટમ ખોટકાઈ જતા આ પાર્સલ ક્લીયર થયા નહોતા.
ગયા અઠવાડિયે સુરત કસ્ટમ વિભાગના પોર્ટલમાં એરર આવવાને લીધે પોર્ટલ ઠપ્પ થઈ ગયું હતું, તેના લીધે હીરાના પાર્સલ મેન્યુઅલ ધોરણે છોડવા હીરા ઉદ્યોગકારોએ કાઉન્સિલને રજુઆત કરી હતી. ચાલુ વર્ષમાં બીજી વાર કસ્ટમ ડિપાર્ટમેન્ટનું પોર્ટલ હેંગ થયું હતું. જો કે ત્યારે મેન્યુઅલ સિસ્ટમથી કામગીરી થઈ હતી. પણ આ વખતે એવું શક્ય બન્યું નહોતું. જો વધુ ચાર પાંચ દિવસ કસ્ટમમાંથી પાર્સલને ક્લીયરન્સ નહીં મળે તો હીરા ઉદ્યોગકારોને મોટું નુકસાન થાય તેવી દહેશત ઉભી થઈ હતી.
દરમિયાન જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજયનના ચેરમેન વિજય માંગુકીયા સહિતના અગ્રણીઓના પર્યાસોને લીધે આ પાર્સલો છૂટા થયા હોવાનું જાણવા મળ્યું છે. જીજેઈપીસીએ અધિકૃત રીતે પાર્સલ ક્લીયર થયા હોવાની માહિતી જાહેર કરવા સાથે કસ્ટમ વિભાગનો આભાર માન્યો છે.
જીજેઈપીસીએ કહ્યું કે, શનિવારે મોડી રાત્રે કસ્ટમ ઓફિસની સિસ્ટમ ફરી કાર્યરત થઈ હતી. ત્યાર બાદ સુરતના હીરાવાળાના હિતમાં સુરત કસ્ટમ વિભાગે રવિવારની રજાના દિવસે કામ કરવાનો નિર્ણય લીધો હતો અને રવિવારે કામ કરી, હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે સંકલન કરીને પાર્સલો છુટા થાય તેવા પ્રયાસો કર્યા હતા અને એક જ દિવસમાં તમામ પાર્સલ છૂટા કર્યા હતા.