વડોદરા: જિલ્લા આરોગ્ય તંત્રમાં વિવિધ સ્તરે કોરોના રસીકરણને વેગવાન બનાવવાના વિચાર વિમર્શ અને શિબિરો તથા વર્કશોપ યોજીને આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોને માર્ગદર્શન આપવાના અભિગમના સારા પરિણામ મળ્યાં છે. પ્રથમ ડોઝના કવરેજની વડોદરા જિલ્લામાં રાજ્યની સરેરાશ થી વધુ કામગીરી થઈ છે અને રસીકરણ નકશામાં જિલ્લાને હરિત રંગ પ્રદાન કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં સૌ કોરોના રસી મુકાવે અને સૌ સુરક્ષિત બને તેવા ધ્યેય સાથે જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.રાજેન્દ્ર પટેલ ની દોરવણી અને પીઠબળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈનની દેખરેખ હેઠળ કોરોના રસીકરણ અવિરત ચાલી રહ્યું છે.
વડોદરા જિલ્લામાં રસીકરણ ની ઝડપ વધારવામાં સાંસદ,ધારાસભ્યો થી લઈને ગ્રામ સરપંચો, વિવિધ સમુદાયોના અગ્રણીઓ,જિલ્લા અને તાલુકા પદાધિકારીઓ,તમામ ધર્મોના સંતો,મહંતો, મુસ્લિમ તબીબો અને આગેવાનો,સૌનો સહયોગ મળ્યો છે તેવી લાગણી વ્યક્ત કરતાં અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવતે જણાવ્યું કે,આ તમામ પ્રકારે કામગીરી કરતા વડોદરા જીલ્લા માં આજ દિન સુઘીમાં પહેલા ડોઝના ટાર્ગેટ ૧૦૯૭૬૭૩ ની સામે ૯૩૯૧૬૩ ના વેકસીનેશન થી ૮૫.૬ % કામગીરી પૂરી થઈ છે.
બીજા ડોઝના ૩૯૭૬૫૭ ના ટાર્ગેટ સામે ૩૧૬૧૬૯ ના વેકસીનેશન થી ૭૯.૫.૬% કામગીરી પૂર્ણ કરી છે. પહેલા ડોઝ પછી નિયત સમય મર્યાદા પૂરી થયે રસી લેનાર બીજા ડોઝ ને પાત્ર બને છે. યાદ રહે કે એ સંદર્ભમાં ટકાવારી ગણવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, જીલ્લાના ૨૧૮ ગામોમા રસીના પહેલા ડોઝના ૧૦૦% વેકસીનેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેમણે ખૂબ જ કર્તવ્યનિષ્ઠા સાથે રાત દિવસ એક કરીને જિલ્લાના લોકોને રસીથી સુરક્ષિત કરવાની જહેમત માટે તબીબી-જિલ્લા આરોગ્ય તંત્રના સમગ્ર પરિવારને અભિનંદન આપ્યાં છે.