Gujarat

ગુજરાતના ૬ જિલ્લાઓ-૬૮ તાલુકાઓ તથા ૧ર૯૧૦ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણ પૂર્ણ

રાજ્યમાં ૬ જિલ્લાઓ, ૬૮ તાલુકાઓ અને ૧ર૯૧૦ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણના કામો પૂર્ણ થઇ ગયા છે , ગ્રામીણ ઘરોમાં ૮૮.૬૩ ટકા નળ જોડાણ આપેલા છે. જયારે રાજયમાં હર ઘર જલ યોજના અન્વયે જે ઘર જોડાણો બાકી છે તેને આગામી સપ્ટેમ્બર-ર૦રર સુધીમાં આવરી લેવાની તાકિદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે. પટેલે રાજ્યમાં દરેક વ્યક્તિને રોજનું ૧૦૦ લીટર પાણી મળી રહે તેવા કાર્યઆયોજન માટે પણ પાણી પુરવઠા વિભાગને સૂચવ્યું છે.

મુખ્યમંત્રીએ હર ઘર જલ યોજનાની રાજ્યમાં થયેલી પ્રગતિ અને હાથ ધરાઇ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. બેઠકમાં મુખ્યપ્રધાનને અપાયેલી માહિતી મુજબ રાજ્યમાં ૬ જિલ્લાઓ, ૬૮ તાલુકાઓ અને ૧ર૯૧૦ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણના કામો પૂર્ણ થઇ ગયા છે. ગ્રામીણ ઘરોમાં ૮૮.૬૩ ટકા નળ જોડાણ આપેલા છે. રાજ્યમાં ગયા વર્ષે ૧૦.૯૪ લાખ ઘરોમાં નળ જોડાણ અપાયા છે તેમજ આ વર્ષે ૧૦ લાખના લક્ષ્યાંક સામે ૬.૩૮ લાખ ઘરોમાં નળ જોડાણ કામગીરી પૂર્ણ થઇ છે.

આ સમીક્ષા દરમ્યાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હવે જે ૯.૩૭ લાખ ઘર જોડાણો બાકી છે તે આગામી સપ્ટેમ્બર-ર૦રર સુધીમાં પુરા કરવાના રહેશે. આદિજાતિ વિસ્તારમાં નલ સે જલ અન્વયે લોકભાગીદારી વધુ મજબૂત બને તે માટે તેમણે ભાર મુક્યો હતો. આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજનાઓની મંજુરીની પ્રક્રિયા સરળ બનાવીને અમલીકરણમાં ગતિ લાવવામાં આવી છે, એટલું જ નહિ, કેન્દ્ર સરકાર તરફથી મળેલી ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન પણ કર્યુ છે.

Most Popular

To Top