SURAT

લોકોને સરકારી હોસ્પિ. પર ભરોસો નથી, નવી સિવિલ હોસ્પિ.માં 100 વેન્ટિલેટર બેડ ખાલી

સુરત: સુરત શહેરમાં કોરોનાની કથળતી પરસ્થિતિ વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરના 100 જેટલા બેડ ખાલી હોવા છતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં વેઇટિંગમાં નામ નોંધાવી રહ્યા છે. જે દર્દીઓનો સરકારી તંત્ર પર ભરોસો ન હોવાનું દર્શાવે છે.

શહેરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતાં તમામ ખાનગી હોસ્પિટલો ફુલ થઇ ગઇ છે. દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન બાદ હવે ઓક્સિજન માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ છે. દર્દીના સંબંધી-સ્વજનોને દાખલ કઢાવવા ખાનગી હોસ્પિટલોમાં કલાકો ફરી વેન્ટિલેટર અને ઓક્સિજનના ખાટલા શોધી રહ્યા છે. ઘણા દર્દીઓ નવી સિવિલમાં અને સ્મીમેર હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતાં જવા માંગતા નથી. જેનું મુખ્ય કારણ તેમના મનમાં સરકારી હોસ્પિટલોમાં જો દર્દી જાય તો ડેડબોડી જ બહાર આવે તેવો ભય દેખાઇ રહ્યો છે.

એક બાજુ નવી સિવિલ હોસ્પિટલમાં 400 વેન્ટિલેટરમાંથી 100 વેન્ટિલેટર હજી ખાલી છે. છતાં દર્દીઓ ત્યાં દાખલ થવાને બદલે ખાનગી હોસ્પિટલમાં વેઇટિંગ લિસ્ટમાં નામ નોંધાવી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોનાના દર્દીઓ માટે કોવિડ હોસ્પિટલ 1075, નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં 600 બેડ અને કિડની હોસ્પિટલમાં 600 બેડ ઊભા કરવામાં આવ્યા છે.

જે પૈકી હવે માત્ર કિડની હોસ્પિટલમાં 300 બેડ હવે ખાલી છે. નવી સિવિલમાં ખાલી પડેલાં 100 વેન્ટિલેટર પૈકી કેટલાંક ટેક્નિકલ ખામીવાળા હોવાથી સાઇડ પર મૂકી દેવાયાં છે. સ્મીમેર હોસ્પિટલની વાત કરીએ તો કુલ 950 બેડ કોરોનાના દર્દીઓ માટે રખાયા છે. જે તમામ હાલ ફુલ છે. બીજા 250 જેટલા ઓક્સિજનવાળા બેડ સ્મીમેર પ્લસ હોસ્પિટલના ચોથા માળે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટરવાળા બેડ શરૂ કરવા તડામાર તૈયારી

સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટરના દર્દીઓ માટે જગ્યા નહીં હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં વેન્ટિલેટરના દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે. જેના કારણે સ્મીમેરના વહીવટી તંત્ર દ્વારા સરકારમાં વાત કર્યા બાદ સ્મીમેર પ્લસ હોસ્પિટલના ચોથા માળે વેન્ટિલેટરનો વોર્ડ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સ્મીમેર પ્લસના ચોથા માળે 250 જેટલા ઓક્સિજનના બેડ ઊભા કરવામાં આવશે. જેની તડામાર તૈયારીઓ શનિવારે કરવામાં આવી હતી.

નવી સિવિલ હોસ્પિટલમાં 100 વેન્ટિલેટરના બેડ ખાલી છે: ડીન

નવી સિવિલ હોસ્પિટલના ડીન ડો.ઋતંભરા મહેતાએ જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલની ત્રણેય બિલ્ડિંગમાં દર્દીઓની સારી સારવાર કરવામાં આવી છે. દર્દીઓને મનોરંજન મળી રહે એ માટે હળવી મ્યુઝિક સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. તો કેટલાક વોર્ડમાં ગરબા રમાડવામાં આવી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના દર્દીઓ માટે 400 જેટલા વેન્ટિલેટરના બેડ રાખવામાં આવ્યા છે. જે પૈકી 300 બેડ પર હાલ દર્દી સારવાર લઇ રહ્યા છે. જ્યારે 100 વેન્ટિલેટરવાળા બેડ હાલ ખાલી છે.

Most Popular

To Top