ભારતમાં ફેબ્રુઆરીથી સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની રિસર્ચ ટીમના એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, કોરોનાની બીજી લહેર શરૂ થઇ છે અને તે લગભગ 100 દિવસ સુધી રહેશે.
જો કોરોનાની બીજી લહેરની શરૂઆત 15 ફેબ્રુઆરીથી માનીએ તો તેની અસર મે મહિના સુધી રહેશે. જો આપણે 23 માર્ચના વલણને આધાર ગણીએ તો દેશમાં બીજી લહેરમાં 25 લાખથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થઈ શકે છે. એસબીઆઈના 28 પાનાના અહેવાલમાં જણાવાયું છે કે, લોકડાઉનની સ્થાનિક સ્તરે કોઈ અસર થશે નહીં.
તેથી, કોરોના સામે જીતવા માટે રસીકરણ એકમાત્ર રસ્તો છે. હમણાંની ગણના અનુસાર એપ્રિલના બીજા પખવાડિયાથી મેના મધ્ય સુધીમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ શકે છે. ગત વર્ષે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં કોરોના સંક્રમણમ વધારો થયો હતો. ત્યારે દરરોજ 90 હજારથી વધુ કેસ નોંધાતા હતા.
આર્થિક સૂચકાંકો પર ધ્યાન કેન્દ્રિત અંગેના અહેવાલમાં જણાવાયું છે કે, પાછલા અઠવાડિયાથી સૂચકાંકોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં આંશિક અથવા સંપૂર્ણ રીતે લોકડાઉન લાગુ કરવાની અસર આવતા મહિનાથી જોવા મળશે.
આ અહેવાલમાં રાજ્યોમાં રસીકરણ અભિયાન ઝડપી બનાવવા અંગે વધારે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં જો રસીકરણની ગતિ દરરોજ 34 લાખથી વધારીને 40-45 લાખ કરવામાં આવે તો 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનું 3થી 4 મહિનામાં રસીકરણ પૂર્ણ કરી શકાય છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બુધવારે દેશમાં છેલ્લા 5 મહિનામાં સૌથી વધુ 53,476 નવા કેસ નોંધાયા હતા. મંત્રાલય અનુસાર, દેશના 18 રાજ્યોમાં કોરોનાનો ડબલ મ્યુટન્ટ વેરિઅન્ટ મળી આવ્યો છે.
આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલારામ ભાર્ગવે કહ્યું કે, કોરોનાની બીજી લહેર સમય અગાઉ આવી ગઈ છે. માટે આપણે આ અંગે જાગૃત રહેવાની ખાસ જરૂર છે. તેમજ ટેસ્ટિંગનું પ્રમાણ વધારવું, માસ્કના પહેરવું અને રસીકરણ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થવું જોઈએ.