World

અમેરિકાના ટેક્સાસમાં બરફ વર્ષા પછી પર ૧૦૦થી વધુ વાહનો એકબીજા સાથે અથડાયાં: છનાં મોત

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બરફવર્ષાને કારણે લપસણા થઇ ગયેલા એક ધોરીમાર્ગ પર એકસાથે ૧૩૩ જેટલા વાહનો એકબીજા સાથે ભટકાઇ પડતાં ઓછામાં ઓછા ૬ જણાનાં મોત થયા હતા તથા અન્ય ડઝનબંધ લોકોને ઇજા થઇ હતી.

મળતી વિગતો પ્રમાણે ટેક્સાસના ફોર્ટ વર્થ નજીક ઇન્ટરસ્ટેટ-૩પ ધોરીમાર્ગ પર આ ઘટના સર્જાઇ હતી. રાતભર પડેલા બરફને કારણે ફ્રી-વે તરીકે ઓળખાતો આ આંતરરાજ્ય ધોરી માર્ગ લપસણો થઇ ગયો હતો અને તેના કારણે સંભવત: કોઇ એક વાહન લપસી જતાં તેની પાછળ ઝડપથી આવતા અન્ય વાહનો એક પછી એક એકબીજા સાથે અથડાયા હતા.

એકબીજા સાથે અથડાયેલા વાહનોમાં નાની કારોથી માંડીને વિશાળ ટ્રકોનો પણ સમાવેશ થતો હતો. ચોક્કસ કયા સમયે અકસ્માત થયો તે જાણી શકાયું ન હતું પરંતુ એમ માનવામાં આવે છે કે સ્થાનિક સમય પ્રમાણે ગુરુવારે સૂર્યોદય થાય તે પહેલા આ અકસ્માત સર્જાઇ ગયો હતો.

આ અથડામણમાં અનેક વાહનોનો ખુડદો બોલી ગયો હતો. અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત થયા હતા તથા અન્ય ડઝનબંધ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વાહનોની અંદર ફસાયેલા ઇજાગ્રસ્ત લોકોને શોધીને તેમને હોસ્પિટલોમાં પહોંચાડવા માટે ફાયર ફાઇટરો ઝઝૂમી રહ્યા હતા.

અથડાયેલા વાહનોની દોઢ માઇલ જેટલી લાંબી કતાર બની હતી અને અકસ્માતને કારણે હાઇવે જામ થઇ જતા તેના કારણે તો માઇલો લાંબી વાહનોની લાઇન લાગી ગઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળુ તોફાન શર્લેને કારણે ટેક્સાસમાં નોંધપાત્ર પ્રમાણમાં બરફ પડ્યો હતો. રાજ્યમાં અન્ય સ્થળોએ પણ આ તોફાનને કારણે થયેલા અકસ્માતોમાં વધુ ત્રણનાં મોતના અહેવાલ મળે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top