Madhya Gujarat

ખંભાતમાં કોમી રમખાણમાં સંડોવાયેલા 10 શખસ પકડાયાં

ખંભાત : ખંભાતના શક્કરપુરમાં ગયા વરસે રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરતા કોમી રમખાણ થયું હતું. જેમાં એક વૃદ્ધનું મોત પણ નિપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ કેટલાક શખસો ભૂગર્ભમાં ઉતરી ગયાં હતાં. જેમાંથી દસ શખસને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે પકડી પાડ્યાં હતાં. આણંદ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓ ઉપરાંત લાલ શાહીના રજીસ્ટરમાં દર્શાવેલા ભાગતા આરોપી તથા ચાલુ તપાસના પકડવાના બાકી આરોપીને શોધી પકડી પાડવા સારૂ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એલ.બી. ડાભી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. કે. સોઢાના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના માણસો દ્વારા ખંભાતમાં 2022માં રામનવમી દરમિયાન થયેલા કોમી રમખાણના હુમલાખોરો શક્કરપુરમાં હોવાની બાતમી મળી હતી.

આ બાતમી આધારે એસઓજીએ સ્થાનિક પોલીસને સાથે રાખી શક્કરપુર વચલા મહોલ્લામાં પહોંચી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દસ શખસને પકડી પાડ્યાં હતાં. જેની પુછપરછ કરતાં તારીક યુસુફ મલેક, અલ્તાફહુસેન ઇખ્તિયારહુસેન મલેક, ઇફ્તેખારહુસેન ઉર્ફે અપ્પુ ચાંદા શેખ, સમીર મુનાફ મલેક, વાસીલ ઉર્ફે કબુતર વાહીદ મલેક, અબ્દુલ યાસીન મલેક, શાદાબ મોયુદીન મલેક, અજરૂદ્દીન મુખત્યાર મલેક, વસીમ મુનાફ મલેક અને ફેજાન સોકત ઉર્ફે કાલુ મલેક હોવાનું જણાવ્યું હતું. આ તમામ શક્કરપુરના પથ્થરમારા પ્રકરણમાં સંડોવાયેલા હોવાનું ખુલતા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top