આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિના અનુસંધાનમાં સંશોધન ક્ષેત્રે બદલાવ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયું હતું. જેમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ અતંર્ગત સંશોધન ક્ષેત્રે કેવા બદલાવ આવશે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સીટીમાં પીએચડીમાં બીજી સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ઉમેરો કરાયો હતો. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત બાદ તે અંતર્ગત સૂચવેલા માળખાકીય બદલાવ સમગ્ર ભારતની વિવિધ યુનિવર્સિટીમાં થવા લાગ્યા હતા.
જે અતર્ગત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020ના અમલીકરણ માટે સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ વિવિધ પગલાં લીધા છે. જેમાં નેશનલ એજ્યુકેશન પોલીશી સેલ, રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેલ વિગેરેની સ્થાપના કરવામાં આવી છે.જેમાં સંશોધન ક્ષેત્રે આવી રહેલા બદલાવ વિષે વિસ્તૃત ચર્ચા કરવા સરદાર પટેલ યુનિવર્સિટીના આઈક્યુએસી, એનઈપી સેલ અને રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેલ દ્વારા તારીખ ના “રિસ્ટ્રક્ચરિંગ રિસર્ચ પેરાડાઈમ્સ: એનઈપી – 20” થીમ પર એક દિવસીય વર્કશોપનું આયોજન “આદિ શંકરાચાર્ય હોલ” ખાતે કર્યું હતું.
આ વર્કશોપમાં યુનિવર્સિટિના કા. કુલપતિ પ્રો. નિરંજન પટેલ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આગામી સમયમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં કેવી રીતે કાર્યરત થશે તે વિષે વાત પોતાના પ્રાસંગિક સંબોધનમાં વાત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે,સંશોધન ક્ષેત્રે વિદ્યાર્થીઓને બીજા વિષયમાં આગળ સંશોધન કરવા માટે 10 ટકા સીટનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ બીજા વિષયનો બ્રીજ કોર્ષ કરીને સંશોધન ક્ષેત્રે તેમા આગળ વધી શકશે. એનઈપી સેલ ના નોડલ અધિકારી પ્રો. શિવાની મિશ્રા દ્વારા સમગ્ર વર્કશોપની મૂળ થીમ વિષય વિષે માહિતી આપી મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
બાદમાં વર્કશોપના મુખ્ય વક્તા અને ઈઆક્યુએસીના સલાહકાર પ્રો. એન. વી. શાસ્ત્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવાયેલ સંશોધન અંગે તથા રિસર્ચ સેલનું ગઠન તથા તેની વિવિધ તબક્કાની કામગીરી વિષે વિગતે ચર્ચા કરી હતી. બાદમાં સરદાર પટેલ આરએસી અંતર્ગત બનેલી ફાઇનાન્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કમિટીના સયોજક પ્રો. એ. એચ. હસમાણી, રિસર્ચ પ્રોગ્રામ એન્ડ પોલિસી ડેવલપમેંટ કમિટીના સયોજક ડો. કિંજલ આહીર, કોલબરેશન એન્ડ કોમ્યુનિટી કમિટીના સયોજક બી. જી. થોમસ, પ્રોડક્ટ ડેવલપમેંટ, મોનીટરીંગ એન્ડ કોમર્સિયલાઇઝેશન કમિટીના સયોજક પ્રો. યોગેશ જોશી અને આઇપીઆર, લીગલ એન્ડ એથિકલ મેટર્સ કમિટીના સયોજક પ્રો. સૈરભ સોનીએ પોતને સોંપાયેલ વિષય વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ વર્કશોપમાં સરદાર પટેલ યુનિવર્સિટિના વિવિધ વિભાગના અધ્યક્ષશ્રીઓ, આરએસીના સભ્યો, વિવિધ વિભાગના અધ્યાપકશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર વર્કશોપ ત્રણ સત્રમાં યોજાયો હતો.
આ કાર્યક્રમના અંતમાં પ્રશ્નોતરી માટે સત્રને ખુલ્લુ મૂક્યું હતું જેમાં અધ્યાપકોએ વિવિધ પ્રશ્નો પૂછીને શંકાનું સમાધાન કર્યું હતું. રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેલના ડાયરેકટર પ્રો. સુનિલ ચાકીએ સમગ્ર વર્કશોપના સાર રૂપે પોતાની વાત રજૂ કરી હતી. અંતે, પ્રો. કિરીટ લાડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
સરદાર પટેલ યુનિવર્સીટીમાં 30 કલાકથી 1 વર્ષ સુધીના બ્રીજ કોર્ષ કરી શકાશે
આ અંગે પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિના અનુસંધાનમાં વિવિધ ફેક્લટી દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રણ ત્રણ વિવિધ 30 કલાકથી 1 વર્ષ સુધીના બ્રીજ કોર્ષ વિદ્યાર્થીઓ દ્વારા કરી શકાશે. જેમાં સર્ટીફીકેટ કોર્ષ, એડ ઓન કોર્ષ, એડવાન્સ ડિપ્લોમાં કોર્ષ અને ઈન્ટરડિસીપ્લીનરી કોર્ષનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ તેમના ભણતર સમયે જ પુર્ણ કરીને પોતાની મનગમત ક્ષેત્રે આગળ વધી શકશે.
આર્ટસ કોલેજમાં સાયન્સ કોમર્સ અને અન્ય સ્ટ્રીમના લોકો અનુસ્નાતક માટે ફોર્મ ભરી શકશે
પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે યુનિવર્સીટીમાં આર્ટસ ફેકેલ્ટીમાં કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ અનુસ્નાતક માટે ફોર્ભ ભરી શકશે. જેમાં આર્ટસ કોલેજમાં ચાલતા વિવિધ કોર્ષમાં સાઈન્સ, કોમર્સમાં સ્નાતક કરેલ વિદ્યાર્થીઓને પ્રવેશષ આપવામાં આવશે.