સુરત : શહેરમાં હીટવેવ વચ્ચે અચાનક બેભાન થઇ જતાં 10 લોકોના મોત થયા હતા. પાંડેસરામાં યુવકને ખેંચ આવીને નીચે ઢળી પડ્યો અને મોત થયું હતું. યુવકનું મોત હીટવેવને કારણે મોત થયું હોવાની સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી હતી.
- પાંડેસરામાં યુવક ખેંચ આવીને નીચે ઢળી પડ્યો અને મોત નિપજ્યું
- સચિનમાં યુવાન ઘરમાં ઢળી પડ્યો, મોરાટેકરામાં યુવાન એલએન્ડટીના ગેટ પાસે બેભાન થઇ ગયો
મળેલી માહિતી મુજબ, પ્રથમ બનાવમાં પાંડેસરા ગણેશનગરમાં 35 વર્ષીય રહેતો સુશાંત અંકુર ચરણ શેટ્ટી મજૂરી કામ કરી જીવન જીવી રહ્યો હતો. રવિવારે સાંજે તે ઘર પાસે ખેંચ આવતા ઢળી પડ્યો હતો. જેથી તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે રાત્રે તેનું મોત નિપજ્યું હતું. શુશાંત શેટ્ટીનું હીટવેવના કારણે મોત નિપજ્યું હોવાની સિવિલ હોસ્પિટલના તબીબે શક્યતા વ્યક્ત કરી હતી.
બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સચિન આનંદ મંગલ સોસાયટીમાં રહેતો ચેતન સુરેશ પરાઠ (39 વર્ષ) ટેક્સટાઇલમાં ડિઝાઇનર તરીકેની નોકરી કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. મંગળવારે સાંજે ચેતન પોતાના ઘરે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ત્રીજા બનાવમાં મૂળ બિહારના વતની અને હાલ મોરાટેકરા તપોવન સોસાયટીમાં રહેતો સુદર્શન કોમલ યાદવ (45 વર્ષ) એલએન્ડટી કંપનીમાં મજૂરી કામ કરી વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મંગળવારે રાત્રે એલએન્ડટીના ગેટ પાસે બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બાદમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ચોથા બનાવમાં મૂળ મહારાષ્ટ્રનો વતની અને હાલ રાંદેર રામ નગરમાં ભિક્ષુક ગૃહમાં છેલ્લા એક વર્ષથી રહેતો 40 વર્ષીય વિજય વાસુદેવ પાટીલ મંગળવારે સાંજે તેને અચાનક ગભરામણ થયા બાદ બેભાન થઈ ગયો હતો. જેથી તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
પાચમાં બનાવમાં વેસુ એસએમસી આવાસમાં રહેતો 38 વર્ષીય અનિલ સુરેશ ગોડસેને મંગળવારે રાત્રે ઘરે શ્વાસ લેવામાં તકલીફ પડતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
છઠ્ઠા બનાવમાં ગોપીપુરામાં આવેલા સુનિતા એપાર્ટમેન્ટમાં રહેતા 40 વર્ષીય કિશનસિંગ વિજયસિંગ વિશ્વકર્મા કાપડ માર્કેટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મંગળવારે સાંજે જાપાન માર્કેટના ઓટલા ઉપર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.
સાતમા બનાવમાં અશ્વિની કુમાર રોડ ખાતે આવેલા મોદી મહોલ્લોમાં રહેતા 45 વર્ષીય મુકેશ શિવલાલ પંડિત મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. મંગળવારે મુકેશભાઈ ઘરે હાજર હતા. તે સમયે તેઓને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને ગભરામણ થયા બાદ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું બુધવારે સવારે મોત નીપજ્યું હતું.
આઠમાં બનાવમાં પર્વત ગામ હળપતિ વાસમાં રહેતા 50 વર્ષીય મંગાભાઈ મધુભાઈ રાઠોડ ગઈકાલે સાંજે પોતાના ઘરે ખેંચ આવતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
નવમા બનાવમાં પાંડેસરા અંબિકા નગર આશાપુરી ગોવાલક પાસેથી એક 35 વર્ષીય અજાણ્યો બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
દસમાં બનવામાં વરાછા ટાંકલી ફળિયુંમાં રહેતો 50 વર્ષીય એક અજાણ્યો પુરુષ ગતરોજ સાંજે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને સારવાર માટે 108 માં સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.