હથોડા : સુરત જિલ્લામાંથી પસાર થતા મોટી નરોલી નજીકના એક્સપ્રેસ વે ની શરૂઆત કરવાની સાથે જ મહુવેજથી લઈને છેક પીપોદરા સુધી 10 થી 15 કિલોમીટર હાઇવે પર વાહનોની કતાર લાગી જવા પામી હતી. ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ટ્રાફિક સમસ્યાને લઈ લોકલ વાહન ચાલકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જ્યારે ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે નીકળેલી સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સાથે તું.. તું.. મે.. મે.. પર ઉતરી પડીને અવ્યવહાર કરતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
મોટી નારોલી નજીક એક્સપ્રેસ વે શરૂ કરાયો પરંતુ એક્સપ્રેસ વે ની પહોળાઈ નાની હોવાથી વાહનો ઉપર ચડતા હાઇવેનો ટ્રાફિક કાચબા ગતિએ ચાલતો હોવાથી ટ્રાફિકનું ભારણવધી જાય છે. અને ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. કોસંબા અને પાલોદ પોલીસ ટ્રાફિક સમસ્યા હલ કરવામાં પરસેવો પાડી રહી છે. ત્યારે કોસંબાના સાવા પાટિયા સુધી આવી ચઢેલી સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ હાઇવે પર જાણે લટાર મારવા નીકળી હોય તેમ ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકો સાથે સારો અભિગમ દાખવવાને બદલે ટ્રાફિક પોલીસને કામગીરી કરવામાં જોર પડતા કલાકોના કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા અને પરેશાન થયેલા વાહન ચાલકોને રીતસરનો દમ મારીને તું તો મેં મેં કરતા અકળાયેલા વાહન ચાલકોએ પણ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ પર રોષ ઠાલવતાં જિલ્લા ટ્રાફિક પોલીસ કોસંબાના સાવા પાટીયા નજીકથી છૂમંતર થઈ ગઈ હતી અને કોસંબા ફાટક નજીક ટ્રાફિક સમસ્યા હલ કરવા મથામણ કરી રહેલી કોસંબા પોલીસ કર્મચારી સાથે પણ જિલ્લા ટ્રાફિક પોલીસે થોડો રૂવાબ દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કર્મચારીઓએ બંધબેસતો જવાબ આપતા ટ્રાફિક પોલીસ નમતું જોખીને રવાના થઈ હતી.
પરિસ્થિતિ વણસે તે પહેલા સુરત જિલ્લા પોલીસ વડા અલગથી પોલીસ ટૂકડી ફાળવે એ જરૂરી
હથોડા : કીમ મોટી નરોલી નજીકથી એક્સપ્રેસ વે શરૂ કરાતા કોસંબા હદ વિસ્તારમાં જે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. તેના પગલે વાહન ચાલકો તોબા પોકારી રહ્યા છે. અને કોસંબા ફાટકે કઠવાડા હથોડા પંથકના સિંગલ માર્ગે વાહન વ્યવહાર ડાયવર્ટ થતાં ગ્રામ્ય વિસ્તારની જનતાની સલામતી સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા સુરત જિલ્લા પોલીસ વડાએ કોસંબા પંથકના હાઇવે પર ટ્રાફિક સમસ્યા હલ કરવા વધારાની અલગથી પોલીસ ટુકડી તાત્કાલિક ધોરણે ફાળવી દેવી જોઈએ. જેથી વાહન ચાલકોની સમસ્યા હલ થાય. તેવી વિસ્તારની જનતાની માંગ છે.