વડોદરા: વડોદરા શહેર નજીક દરજીપુરા એરફોર્સ સ્ટેશન બ્રિજ પાસે સુરતથી આવતી ફોર્ડ ફોગો ગાડી સાથે કન્ટેનર સાઈડ પર લેવા બાબતે અથડાતા કન્ટેનરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.જેના કારણે કન્ટેનર ડિવાઇડર ક્રોસ કરી રોંગ સાઈડમાં જતા છકડો રીક્ષા અડફેટમાં આવી ગઈ હતી.સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે કન્ટેનર અને છકડા ચાલક સહિત સાત લોકો ઇજાગ્રસ્ત થતા તત્કાલ સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જ્યાં પહેલેથી સજ્જ હોસ્પિટલની ટીમે તાબડતોબ ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી દીધી હતી.બનાવ અંગે પોલીસે પ્રાથમિક અકસ્માતથી મોત થયું હોવાનો ગુનો નોંધવાની સાથે આગળની કાર્યવાહી હાથધરી હતી.
મંગળવારનો દિવસ વડોદરા માટે સાબિત થયો છે. દરજીપુરા પાસે એક કન્ટેનર ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અડફેટે છકડો રીક્ષા આવી જતા 10 લોકોના મોંત નિપજ્યા હતા.જ્યારે 7 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તત્કાલ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર દરજીપુરા એરફોર્સ પાસે સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ટ્રક ચાલકે એક કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.આ દરમિયાન ગોલ્ડન ચોકડીથી મુસાફરોથી ભરેલો છકડો કપૂરાઈ તરફ જતો હતો તેને કન્ટેનર ચાલકે અડફેટે લીધો હતો.ત્યારબાદ કન્ટેનર એરફોર્સની દિવાલમાં ધૂસી ગયું હતું. બનાવની જાણ થતા જ વહીવટી તંત્ર દોડતું થયું હતું.
જ્યારે ફાયર બ્રિગેડના જવાનો,એરફોર્સની ટીમ સહિત 108 ના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને છકડાંના પતરાં કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.જ્યારે અક્સામતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.અક્સમાતમાં પહેલા 5 લોકોના મોત થયા હતા.જે બાદ આંક વધીને 10 પર પહોંચ્યો હતો.ઈજાગ્રસ્ત પૈકી હજી પણ કેટલાક લોકોની હાલત ગંભીર છે. કન્ટેનર ટ્રક અને છકડા વચ્ચે અક્સમાતની જાણ થતાં ફાયર વિભાગ અને એરફોર્સના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.ઈજાગ્રસ્ત લોકોને છકડાના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.અક્સમાતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિકજામ સર્જાયો હતો.મૃતકો ક્યાંના રહેવાસી છે તે અંગે પોલીસ તપાસ કરી પરીવારજનનો સંપર્ક કરવાની કાર્યવાહી કરી રહી છે.
આ બનાવમાં હજી પણ મૃત્યું આંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ સમાચાર લખાઈ રહ્યો છે. ત્યાં સુધી ઇજા પામનારમાં ઉં.વ. 28 વિજયસિંહ નટવરસિંહ બારીયા , ઉ.વ.27 અરવિંદભાઈ માનસિંગભાઈ રાઠવા, ઉ.વ. 25 માહિરભાઈ જશવંતભાઈ મકવાણા,ઉ.વ 35 નીરૂબેન કલેશભાઈ બારીયા,ઉ.વ. 22 રેશમબેન બાબુભાઈ,ઉ.વ 23 નરેશભાઈ બાબુભાઈ હરિજન,ઉ.વ.15 મહેન્દ્રભાઈ ગુલામભાઈ હરીજન જેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે મરણ પામનારમાં ઉ.વ. 48 જુઆનસિંહ વેલજીભાઈ બારીયા, ઉ.વ. 45 સવિતાબેન દિલીપભાઈ બારીયા, ઉ.વ. 50 રાકેશભાઈ બંકે બિહારી મિશ્રા,ઉ.વ. 71 ફતેસિંહ ઇન્દ્રસિંહ ગોહિલ,ઉ.વ. 24 સંદીપભાઈ સુરેશભાઈ ચાવડાનું મોંત થયું હતું.જ્યારે અન્ય 5 મૃતકોની ઓળખ છતી કરવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.