સુરતઃ રાજ્યમાં મેઘરાજાનું વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં આવેલા ઉમરપાડામાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. અહીં સતત બે કલાક સુધી મૂશળધાર ધમધોકાર વરસાદ વરસ્યો છે. માત્ર 4 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઉમરપાડામાં ઠેરઠેર પાણી ભરાયા છે.
મેઘરાજાએ ફરી એકવાર ગુજરાતના અનેક જિલ્લામાં તોફાની બેટિંગ શરુ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આક્રમક રુપ જોવા મળી રહ્યું છે. આજે તા. 10 સપ્ટેમ્બર 2024ની વહેલી સવારથી સુરત અને આસપાસના વિસ્તારોમાં તોફાની વરસાદ શરુ થયો છે. સુરતમાં ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અહીં માત્ર 4 કલાકમાં ધમધોકાર 10 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં 10 ઈંચ ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બે કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. તો અંડરપાસમાં પણ પાણી ભરાતાં વાહનો ફસાયાં હતાં.
સુરતના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું છે. 4 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ છે. વહાર ગામેથી પસાર થતી નદીમાં પાણીની ભારે આવક થઇ છે. નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તાલુકાની વીરા નદીમાં પાણીની આવક થઇ છે. જે પછી નદી ગાંડીતૂર બની છે. પિનપુરથી દેવઘાટ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોતરના પાણી રસ્તા પર ભરાતા લોકોને હાલાકી થઇ રહી છે. ચારેય કોર જંગલથી ઘેરાયેલા ઉમરાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
ક્યાં કેટલો વરસાદ વરસ્યો?
આજે સવારે 6 વાગ્યાથી રાજ્યના અનેક જિલ્લા તાલુકાઓમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. ઉમરપાડાની જેમ યાત્રાધામ અંબાજીમાં ખૂબ વરસાદ પડ્યો છે. સવારે 6થી 10 દરમિયાન રાજ્યના 57 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 9.88 ઈંચ, બારડોલીમાં 1.42 ઈંચ, પલસાણામાં 1.34 ઈંચ કામરેજમાં 1.14 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે નવસારીના ખેરગામમાં 2.76 ઈંચ, તાપી જિલ્લાના નિઝર તાલુકામાં 1.30 ઈંચ, કુકરમુંડામાં 1.42 ઈંચ વરસાદ પડ્યો છે. નર્મદાના સાગબારામાં 2.76 ઈંચ, દેડિયાપાડામાં 1.85 ઈંચ જ્યારે દાહોદમાં 1.06 ઈંચ વરસાદ ખાબક્યો છે.