Dakshin Gujarat

આફ્રિકાના મોઝામ્બિકમાં ફાટેલી હિંસામાં ભરૂચના સીતપોણના 10 પરિવાર ફસાયા

ભરૂચ: મોઝામ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી ગઈ હતી, જેમાં ત્યાં વસતા ભરૂચ સહિત ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે. અનેક ગુજરાતીઓ ઘરવિહોણા બન્યા છે. જેથી અન્ય લોકોના ઘરે શરણાર્થી બનીને રહેવા મજબૂર બન્યા છે. ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.

ભરૂચ સાથે ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ-અલગ દેશોમાં સ્થાયી થયા છે. તેઓ પરિવાર સાથે રહીને પોતાનું અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે સાઉથ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે, જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે. જો કે, મોઝામ્બિકમાં કોઈ ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી છે. ત્યાં રહેતા અને ધંધો કરતાં અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા છે. આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાતુર બની ગયા છે.

ભરૂચના સીતપોણ ગામના અંદાજિત 10 જેટલા પરિવાર ધંધા અર્થે ત્યાં મોઝામ્બિકમાં સ્થાયી થયા છે. ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલા પરિવારના બે ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં રહીને વાસણની દુકાન ચલાવે છે. સીતપોણ ગામના મહેબુબ માટલીવાલાએ જણાવ્યું હતું કે, તેમના બે ભાઈઓ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે. પરંતુ હાલમાં ત્યાં હિંસા ફાટી નીકળતાં તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પણ લૂંટી લેવામાં આવ્યાં છે. જેથી તેઓ પોતાના મકાનો છોડીને અન્ય લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે. અમારા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. બે-ત્રણ દિવસથી અમને ઊંઘ પણ આવતી નથી, હંમેશાં ભાઈ અને સગર્ભા ભાભીની ચિંતા સતાવે છે. આ બાબતે ગુજરાત અને ભારત સરકાર તેમના ભાઈઓની અને અન્ય ભારતીયોને સહારો બને એવી માંગ છે.

Most Popular

To Top