World

શ્રીલંકામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે તબાહી, 10ના મોત, 6 ગૂમ

નવી દિલ્હી: શ્રીલંકામાં (Sri Lanka) ભારે વરસાદે (Heavy rain) તબાહી મચાવી છે. ત્યારે ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે સોમવારે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. તેમજ ઘણી જગ્યાએ ભૂસ્ખલન (Landslide) પણ થયું હતું. પૂર અને વરસાદના કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ગુમ થયા હતા.

સમગ્ર મામલે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશમાં રવિવારથી મુશળધાર વરસાદે ઘણા સ્થળોએ મોટા પાયે વિનાશ સર્જ્યો હતો, જેના પરિણામે ઘરો, ખેતરો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને સાવચેતીના પગલા તરીકે વીજ પુરવઠો પણ બંધ કરવાની ફરજ પડી હતી. આ સાથે જ ભારે વરસાદના કારણે શ્રીલંકાની ઘણી શાળોઓ પણ બંધ કરવામાં આવી હતી. તેમજ હવે શાળાઓ ફરીથી ક્યારે શરૂ થશે તે નિર્ણય પણ હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે.

વરસાદના કારણે ભારે વિનાશ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના જણાવ્યા અનુસાર રવિવારે રાજધાની કોલંબો અને દૂરના રતનપુરા જિલ્લામાં 6 લોકોના તણાઇ જવા અને ડૂબવાને કારણે મૃત્યુ થયા હતા જ્યારે અન્ય ત્રણ લોકોએ તેમના ઘરો પર પહાડોમાંથી કાદવ પડતાં પોતાના જીવ ગુમાવ્યા હતા. ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. રવિવારથી છ લોકો ગુમ છે.

નેવી અને આર્મીના જવાનો તૈનાત
પ્રાપ્ત વિગતો મુજબ સોમવાર સુધીમાં 5,000 થી વધુ લોકોને સ્થળાંતર કેન્દ્રોમાં લઈ જવામાં આવ્યા હતા તેમજ 400 મકાનોને નુકસાન થયું છે. કેન્દ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીડિતોને બચાવવા અને ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટે નેવલ અને આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મેના મધ્યમાં જ્યારથી કમોસમી વરસાદ થયો ત્યારથી શ્રીલંકામાં હવામાન પ્રતિકૂળ રહ્યું છે. આ પહેલા ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે નવ લોકોના મોત થયા હતા.

શ્રીલંકા ડીએમસીએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે દેશના 25માંથી 20 જિલ્લા વરસાદથી પ્રભાવિત છે. તેમજ પ્રભાવિત લોકોને રાહત આપવા માટે સેનાને તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ ઉર્જા મંત્રાલયના અધિકારી જયવર્દનએ જણાવ્યું હતું કે “અમે DMC સાથે સંકલન કરીને આ વિસ્તારોમાં વીજ પુરવઠો સ્થગિત કર્યો છે, તેમજ પૂર ઓસર્યા બાદ અમે પરિસ્થિતિ જોઈશું અને વિજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામ કરીશું.’’

Most Popular

To Top