નડિયાદ: માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રી નિમિત્તે ગવાતાં ગરબામાં પથ્થરમારો કરનાર ટોળાં પૈકી પોલીસે 13 હુમલાખોરોની અટકાયત કરી હતી. જેમાં 3 હુમલાખોરના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. માતર તાલુકાના ઉંઢેલા ગામના સરપંચ દ્વારા નવરાત્રીના આઠમની રાત્રે ગામમાં આવેલ તુળજા માતાજીના મંદિરના ચોકમાં માનતાના ગરબા યોજવામાં આવ્યાં હતાં. જેમાં સરપંચના પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ ગરબા ગાતા હતાં. તે વખતે 150 થી 200 વિધર્મીઓના ટોળાંએ ગરબા સ્થળ ઉપર પથ્થરમારો કર્યો હતો.
વિધર્મીઓના આ હુમલામાં બે પોલીસ જવાન સહિત કુલ 13 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લાની અન્ય પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતી કાબુમાં લીધી હતી. જે બાદ પોલીસે હુમલાખોર ટોળાં પૈકી 43 વિધર્મીઓની ઓળખ કરી હતી અને તેમાંથી 13 વિધર્મીઓની અટકાયત કરી હતી અને જાહેરમાં થાંભલાના ટેકે ઉભા રાખી લાકડીઓ ફટકારી હતી. જે બાદ બીજા દિવસે અટલે કે બુધવારના રોજ પોલીસે પકડાયેલાં તમામ હુમલાખોરોને કોર્ટમાં રજુ કર્યાં હતાં. કલાકો સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી બાદ એક મહિલા સહિત કુલ 10 હુમલાખોરોને બિલોદરા જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીના 3 હુમલાખોરોના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે.
એસપીએ ત્રીજા દિવસે ઉંઢેલાની મુલાકાત લીધી
વિધર્મીઓના ટોળાંએ ગરબામાં કરેલાં પથ્થરમારાને પગલે ગામમાં વાતાવરણ તંગ બન્યું છે. જેને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવના ત્રીજા દિવસે ગામમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી હતી. દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ પરિસ્થિતીનું નિદર્શન કરવા માટે સતત ત્રીજા દિવસે ઉંઢેલા ગામની મુલાકાત લીધી હતી.
કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે – ગૃહમંત્રી
માતર તાલુકાના ઉંઢેલા ગામમાં પથ્થરમારાની ઘટનાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિંદા કરી હતી. આ મામલે તેઓએ જણાવ્યું હતું કે, મંદિરમાં ગ્રામજનો અને માં ના ભક્તો ગરબે રમી રહ્યા હતાં. કોઈ સમાજ દ્વારા નહીં પરંતુ એ ગામના અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાના ચોક્કસ પ્રયત્ન સાથે આ હુમલો કરવામાં આવ્યો હતો. હું એવું માનું છું કે ગુજરાતમાં જે કોઈ લોકો કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે.