ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27 માટે રાજ્યના નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં કુલ 4,08,053 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ગયા વર્ષના 3,70,250 કરોડની સરખામણીએ 37,803 કરોડ એટલે કે 10.21 ટકાનો વધારો દર્શાવે છે. જોકે આ વિકાસમુખી બજેટ વચ્ચે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં નોંધપાત્ર ઘટાડો ચર્ચાનો વિષય બન્યો છે.
વર્ષ 2026-27માં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને 4,842 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે વર્ષ 2025-26માં આ ઊર્જા વિભાગ માટે 6,751 કરોડ રૂપિયાનું બજેટ હતું. આમ, આ વિભાગના બજેટમાં 1,908 કરોડ રૂપિયાનો એટલે કે 28.27 ટકાનો ઘટાડો નોંધાયો છે. તમામ 27 વિભાગમાંથી માત્ર આ એક જ વિભાગ એવો છે, જેમાં બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

બીજી તરફ, મોટાભાગના વિભાગોમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2026-27ના બજેટમાં વિવિધ વિકાસલક્ષી વિભાગોને નોંધપાત્ર વધારો આપવામાં આવ્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને 2006 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે ગયા વર્ષના 1093 કરોડ રૂપિયાની સરખામણીએ 913 કરોડનો એટલે કે 83.49 ટકાનો સૌથી મોટો વધારો છે. સામાન્ય વહીવટ વિભાગ માટે 2910 કરોડની જોગવાઈ કરીને 910 કરોડનો વધારો નોંધાયો છે, જે 45.53 ટકા જેટલો છે. માર્ગ અને મકાન વિભાગને 29,710 કરોડની ફાળવણી મળી છે, જે અગાઉના વર્ષના 24,705 કરોડથી 5004 કરોડ વધુ છે અને તેમાં 20.26 ટકાનો વધારો થયો છે. નાણા વિભાગને સૌથી વધુ 1,08,363 કરોડનું બજેટ ફાળવાયું છે, જે ગયા વર્ષની સરખામણીએ 16,636 કરોડ રૂપિયાનો એટલે કે 18.14 ટકાનો વધારો દર્શાવે છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને 33,504 કરોડ ફાળવી 3179 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને 25,403 કરોડ (8.63 ટકા વધારો), શિક્ષણ વિભાગને 63,184 કરોડ (5.31 ટકા વધારો) અને કૃષિ તથા સહકાર વિભાગને 24,022 કરોડ (6.77 ટકા વધારો) ફાળવી રાજ્ય સરકારે સામાજિક અને માળખાકીય ક્ષેત્રોને પ્રાથમિકતા આપતા વિકાસમુખી દિશા સ્પષ્ટ કરી છે. આ રીતે કુલ બજેટમાં વધારો હોવા છતાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં નોંધાયેલા ઘટાડાએ નીતિગત પ્રાથમિકતાઓ અંગે ચર્ચા ઊભી કરી છે. રાજ્ય સરકારે અન્ય માળખાકીય અને સામાજિક ક્ષેત્રોને પ્રાથમિકતા આપતા ઊર્જા ક્ષેત્રમાં ફાળવણી ઘટાડી હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.