ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષાર્થીઓને પ્રશ્નપત્રના જવાબો લખવા માટે આપવામાં આવતી ઉત્તરવહીમાં કોઈપણ પ્રકારના ચેડા કરવા નહીં, સાથે જ દેવી-દેવતાઓના નામ કે ધાર્મિક ચિન્હોના લખાણ લખવા નહીં એવી તાકીદ કરવામાં આવી છે. જો કોઈ પરીક્ષાર્થી આવું કરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીઓ માટે બોર્ડ દ્વારા મહત્વની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં પરીક્ષાર્થીઓએ બારકોડ સ્ટીકટની સાથે કોઈપણ પ્રકારના ચેડા કરવા નહીં, પુરવણી- જવાબવહીના કોઈપણ પાના ઉપર પોતાની ઓળખ પ્રગટ થાય તેવા લખાણ કે નિશાન કે દેવી-દેવતાના નામ કે ધાર્મિક ચિન્હો લખવા નહીં એવી સૂચના આપવામાં આવી છે.
પરીક્ષાનો સમય પૂર્ણ થવાના 10 મિનિટ અગાઉ મુખ્ય જવાબવહી તથા પુરવણી ઉપર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે. જવાબવહી કે પુરવણીના કોઈપણ ભાગમાં લખાણ લખતી વખતે વાદળી રંગની શાહી બોલપેન સિવાય અન્ય કોઈ રંગની બોલપેન શાહીનો ઉપયોગ કરવો નહીં. જવાબના મથાળા -પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે અન્ય કોઈપણ રંગની શાહીનો ઉપયોગ કરવો નહીં. પરીક્ષાર્થીએ જો પુરવણીનો ઉપયોગ કરેલો હોય તો, બોર્ડ દ્વારા આપવામાં આવેલી સફેદ મીણના દોરાનો જ પુરવણી બાંધવામાં ઉપયોગ કરવાનો રહેશે, અન્ય કોઈ દોરાનો ઉપયોગ પુરવણી બાંધવામાં થયેલો હશે તો તે બાબતને ગેરરીતિ ગણીને કાર્યવાહી કરવામાં આવશે.
બોર્ડની પરીક્ષા દરમિયાન એસટી નિગમ દ્વારા વધારાની 250 જેટલી બસ દોડાવવામાં આવશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે 27મી ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, તે માટે એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબની વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસટી નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપ ચલાવવાનું આયોજન કરાયું છે. હાલમાં જે તે જિલ્લા વહીવટી તંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાની માગણી મળેલી છે, હજુ પણ માંગણી મળે તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા કક્ષાના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રિમતા આપી વધારાની બસો ચલાવવા અને સમયસર બસો દોડાવવા સૂચના આપવામાં આવી છે. આ માટે એસટી નિગમ દ્વારા દરેક વિભાગો ખાતે કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે.
