નવસારી, વલસાડ, ભરૂચ, વ્યારા : દક્ષિણ ગુજરાતમાં શનિવારે સૌથી નીચુ તાપમાન વલસાડમાં લઘુત્તમ 10 ડિગ્રી અને મહત્તમ 24 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નવસારીમાં તાપમાન વધીને 13 ડિગ્રી, ભરૂચ જિલ્લામાં લઘુત્તમ 12 અને મહત્તમ 30 જ્યારે તાપી જિલ્લામાં લઘુત્તમ 14 અને મહત્તમ 32 ડિગ્રી નોંધાયું હતું. નવસારી જિલ્લામાં શનિવારે તાપમાન વધુ બે બે ડિગ્રી વધ્યું હતું. જેથી ઠંડીથી રાહત મળી હતી. જોકે દિવસ દરમિયાન પુરઝડપે ફુંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં હતા.
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગત બુધવારે લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું. ગુરૂવારે લઘુત્તમ તાપમાન વધીને 10.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે શુક્રવારે 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા 4 દિવસમાં લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી વધતા શનિવારે 13 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી વધતા 30.5 ડિગ્રી નોંધાયું હતું. શનિવારે સવારે ભેજનું પ્રમાણ 70 ટકા અને સાંજે ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યું હતું. દિવસ દરમ્યાન ઉત્તર-પૂર્વ દિશાએથી 6.6 કિલોમીટરની પૂરઝડપે પવન ફૂંકાતા દિવસે પણ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યાં હતા.
કયાં કેટલું તાપમાન
જિલ્લો—મહત્તમ—લઘુત્તમ
વલસાડ—24—10
નવસારી—30.5—3
ભરૂચ—30—12
તાપી—32—14