વડોદરા: શહેરના વાસણા રોડ ખાતે આવેલા ત્રણ મજલી અમેયા કોમ્પલેક્ષમા ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઉક્ત સ્થળે ઓચીતો છાપો માર્યો હતો.જેમા મકાનમાં ગાંજાનું વેચાણ કરતાં ત્રણ શખ્સોને પોલીસે રંગેહાથે ઝડપી પાડયા હતા. જ્યારે નશીલા પદાર્થનો જથ્થો આપનાર રાજસ્થાનના એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
ગાજા નુ વેચાણ થઇ રહ્યું હોવાની માહિતીના આધારે એસ.ઓ.જી પોલીસે ઉપરોકત સ્થળે પહોંચીને છાપો માર્યો હતો. પોલીસના છાપામાં ફ્લેટના દરવાજા પાસે ઉભેલા એક શખ્સને તથા અંદર બેઠેલા અન્ય બે શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા હતા. પોલીસે ત્રણેય શખ્સોની તલાશી લેતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સો મુળ આસામના અને જ્યારે ત્રીજો શખ્સ પરવેશ અજમેરી છાટીયાવાડની લીંબડી, નડિયાદનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મકાનમાંથી લગભગ 1.81 કિ.ગ્રામ ઉપરાંતના વજનનો ગાંજાનો જથ્થો, વેચાણના રોકડા રૂપિયા 5,000, પ્લાસ્ટિકની જીપ લોકવાળી બેગ, વજન કાંટો , મોબાઇલ ફોન સહિત રૂપિયા અડધા લાખ ઉપરાંતનો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો હતો.
જે.પી.રોડ પોલીસ મથકે એન.ડી.પી.એસ ની ધારા હેઠળ આરોપી આશિષ દીપકકુમાર અધ્યાપક ,સોમસિહ દીપકકુમાર અધ્યાપક (બંને રહે અમેયા કોમ્પલેક્ષ, વાસણા રોડ,મુળ આસામ) તથા પરવેઝ મુસ્તુફા અજમેરી (રહે છાટીયાવાડ લીંબડી, નડિયાદ) ની ધરપકડ કરી હતી. જથ્થો આપનાર રાજસ્થાનના અખિલ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.