વડોદરામાં છ જુદા જુદા પ્રોજેકટસમાં આઈઓસી દ્વારા 24,000 કરોડનું રોકાણ કરવામાં આવશે, તે માટે રાજ્ય સરકાર અને આઈઓસી વચ્ચે મંગળવારે ગાંધીનગરમાં કરાર સંપન્ન થયા હતા. આ સમારંભમાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતે એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ એટલે કે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન કુલ ૧.૬૩ કરોડ રૂપિયાનું એફ.ડી.આઈ પ્રાપ્ત કર્યું છે.
આ સમયગાળા દરમિયાન દેશમાં આવેલા કુલ એફ.ડી.આઈનો દર ૩૭ ટકા રહ્યો છે, અને ગુજરાતે કોરોના કાળમાં પણ સતત ચોથા વર્ષે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે સર્વસમાવેશક આર્થિક વિકાસ પ્રાપ્ત કર્યો છે. ઓટોમોબાઈલ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સસ્ટાઈલ્સ, સિરામિક, રિન્યૂએબલ એનર્જી, મેરીટાઈમ અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં ગુજરાતે સમગ્ર વિશ્વમાં અગ્રીમ હરોળમાં સ્થાન હાંસલ કર્યું છે. મહામારીથી થયેલા નુકસાનને પહોંચી વળવા તેમજ ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બુસ્ટ કરવા રાજ્ય સરકારે રૂ. ૧૪,૦૦૦ કરોડનું ‘ગુજરાત આત્મનિર્ભર પેકેજ’ જાહેર કર્યું હતું.
ઉદ્યોગ અને ખાણ વિભાગ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસે કહ્યું હતું કે, IOCL અને ગુજરાત સરકાર વચ્ચે થયેલા ૨૪,000 કરોડના આ એમ.ઓ.યુ આવનારા સમયમાં અર્થતંત્રને વેગ આપશે, ગુજરાતની ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થશે, MSME સેક્ટરમાં વધારો થશે તેમજ ગુજરાતમાં રોજગારીની નવી તકો પણ વધશે. ગુજરાતમાં અત્યાર સુધી થયેલા એમ.ઓ.યુમાં મોટા પ્રોજેક્ટના કામો એમ.ઓ.યુ થયાના માત્ર ૧૧ મહિનામાં જ પૂરા કરી દેવામાં આવ્યા છે.