રાજ્યમાં યોગમય વાતાવરણ ઉભું કરી મોટી સંખ્યામાં યોગ શિક્ષકો તૈયાર કરવા રાજ્યભરના વિવિધ સ્થળોએ નિ:શૂલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યુંછે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આવી જ ત્રિ-દિવસીય યોગ શિબિરના સમાપન સમારંભમાં કહ્યું હતું કે યોગ માનવશરીરના મન, બુધ્ધિ અને આત્માને આધ્યાત્મિક રીતે સહજ કરીને પરમાત્મા સાથે જોડે છે. આ આધ્યાત્મિક ધારણાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં “વિશ્વ યોગ દિવસ” તરીકે પ્રસ્થાપિત કરી ભારતને વિશ્વ ગૂરૂ બનવા તરફની રાહ ચિંધી છે.
રાજય સરકાર દ્વારા “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ”ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં વધુને વધુ યોગ ટ્રેનરો જોડીને યોગ શિબિરોનું આયોજન કરાઈ રહયું છે. તેમણે કહ્યું હતું કે યોગ અને ધ્યાન એ યાત્રા છે. યોગથી માણસ પોતાના આત્માની શુધ્ધિ કરશે અને ત્યારે જ રાષ્ટ્રને દિવ્ય રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પૂર્ણ થશે. રાજ્યનો દરેક નાગરિક સ્વસ્થ રહે અને ઇઝ ઓફ ડુઇંગની સાથે ઇઝ ઓફ લિવીંગ તરફ પણ આગળ વધે તે માટે આવી યોગ શિબિરો ખૂબ જ જરૂરી છે એવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજ્યકક્ષાના રમત-ગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ યોગટ્રેનરો તૈયાર કરીને યોગસાધકો સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્ય યોગ બોર્ડ દ્વારા અત્યારસુધીમાં 750 યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં 1 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને વધુને વધુ લોકોને યોગ વિશે જાગૃત કરવાનો કટિબદ્ધ છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ યોગ વર્ગ ચલાવીને મોટી સંખ્યામાં યોગસાધકોને યોગ સાથે જોડ્યા હોવાનું તેમણે કહ્યું હતું.