સુરત: ઉકાઈ ડેમના (UkaiDam) ઉપરવાસમાં ધોધમાર વરસાદના (HeavyRain) પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં (Inflow) વધારો થયો છે. ડેમમાં 1.30 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. તેના લીધે આજે સવારે ઉકાઈ ડેમની સપાટીમાં એકાએક બે ફૂટનો વધારો થયો છે.
ઉપરવાસમાં ગુજરાતની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના હથનુર ડેમના 18 ગેટ આખા ખોલી દેવામાં આવ્યા છે, જેના લીધે હથનુર ડેમમાંથી 29,947 ક્યુસેક અને પ્રકાશ ડેમના 9 ગેટ ખોલાતા ત્યાંથી 1,00,004 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીનો જથ્થો ગણતરીના કલાકોમાં ઉકાઈ ડેમમાં આવે તેવી શક્યતા છે.
આજે સવારે 8 વાગ્યે ઉકાઈ ડેમની સપાટીમાં બે ફૂટનો વધારો નોંધાયો હતો. સવારે ડેમની સપાટી 317.26 ફૂટ નોંધાઈ છે. ડેમમાં 1,30,931 ક્યૂસેક પાણીની આવક અને 600 ક્યૂસેક આઉટફલો નોંધાયો છે. ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી હોવાથી બેત્રણ દિવસમાં ડેમની સપાટી 320 ફૂટ પર પહોંચે તેવી શક્યતા છે.
ઉપરવાસમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ઉપરવાસમાં પહેલા વરસાદમાં ટેસ્કામાં 36, કુરનખેડામાં 1.60, દેડતલાઈમાં 36.20, નવાધામાં 35.20, બુરાનપુરમાં 13.80, દહીગાવમાં 27.80, ધુલિયામાં 10.40 મી.મી જયારે બાકીના તાલુકામાં નહીવત વરસાદ પડ્યો છે.
ગુરુવારે ઉકાઈ ડેમની સપાટી 315.87 ફૂટ હતી, જે એક દિવસમાં બે ફૂટ વધી
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઈનગેજ સ્ટેશનો પર મેઘરાજાએ હેત વરસાવતા ડેમ ભરાવાનું શરૂ થયું છે. હથનુર ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ગુરુવારે ઉકાઈ ડેમની સપાટી 315.87 ફુટે પહોંચી હતી. જે આજે શુક્રવારે સવારે 317 ફૂટની સપાટીને વટાવી ગઈ હતી. આમ એક જ દિવસમાં ઉકાઈની સપાટીમાં બે ફૂટનો વધારો નોંધાયો છે.
દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી તા. 21 અને 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ સુરત અને વલસાડમાં અતિભારે વરસાદની વરસી શકે છે. આ સાથે જ આગામી કેટલાક દિવસ અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગે આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.