SURAT

ઉકાઈ ડેમમાંથી સિઝનમાં પ્રથમવાર 1.24 લાખ ક્યુસેક પાણી છોડાયું

સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરી છે. સિઝનના સેકન્ડ રાઉન્ડમાં વિતેલા 24 કલાકમાં જ ઉકાઈ ડેમમાં સર્વાધિક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમમાં 1.68 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 9 ગેટ ઓપન કરીને 1.24 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આગામી 24 કલાકમાં પાણીની આવકમાં વધારો થઈ શકે છે.

ગઈકાલથી ઉકાઈ ડેમમાં 80 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી. જોકે આજે આ આવક વધીને 1.68 લાખ ક્યુસેક સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, વધારાનું પાણી નિયંત્રણમાં રાખવા ઉકાઈ ડેમમાંથી પહેલીવાર સિઝનમાં 9 ગેટ ઓપન કરવામાં આવ્યા છે. જેમાંથી 2 ગેટ 8 ફૂટ અને 7 ગેટ 7 ફૂટ ખોલી કુલ 1.24 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસના હથનુર ડેમમાંથી 24 ગેટ ફુલ અને 6 ગેટ એક મીટર સુધી ઓપન કરીને 1.55 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. તેમજ પ્રકાશા ડેમમાંથી પણ 8 ગેટ ફુલ ઓપન કરીને 1.16 લાખ ક્યુસેક પાણી મુક્ત કરવામાં આવ્યું છે. આ પાણી સીધું ઉકાઈ ડેમમાં આવી પહોંચતું હોવાથી આવકના પ્રમાણમાં વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમમાંથી પહેલીવાર આ સિઝનમાં 1.24 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા તાપી નદી કાલથી બે કાંઠે વહેતી જોવા મળશે. તંત્રએ તાપીના તટવર્તી વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપી છે.

ઉપરવાસમાં વિતેલા 24 કલાકમાં પડેલો વરસાદ

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ટેસ્કામાં 124 મીમી, ચીકલધરામાં 11 મીમી, લખપુરીમાં 52 મીમી, કુરાનખેડામાં 68 મીમી, ગોપાલખેડામાં 49 મીમી, અકોલામાં 30 મીમી, દેડતલાઈમાં 92 મીમી, વાનખેડામાં 27 મીમી, લુહારામાં 29 મીમી, યેરલીમાં 14 મીમી, નવાથામાં 60 મીમી, સેલગાવમાં 23 મીમી, બુરહાનપુરમાં 25 મીમી, ધુપેશ્વરમાં 66 મીમી, તલસવાડામાં 59 મીમી, પીંપળીમાં 20 મીમી અને શીરપુરમાં 14 મીમી વરસાદ નોંધાયો છે. આ સતત વરસેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં જંગી વધારો થયો છે.

ડેમમાં આગામી ચોવીસ કલાક ૨૦૦ એમસીએમ પાણી આવશે

ઉકાઈ ડેમમાંથી ગયા વર્ષે 6 ઓગસ્ટે પાણી છોડવાનું શરૂ કરાયું હતું જ્યારે આ વખતે આજે 19 ઓગસ્ટથી પાણી છોડવામાં આવી રહ્યું છે, તેમાં આગામી 24 કલાકમાં ઉકાઈ ડેમમાં હજી 200 એમસીએમ પાણીની આવક થવાની ગણતરી સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા કરવામાં આવી છે

સુરત સહિત રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

સુરત: સુરત સહિત રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અને ત્યારપછી પણ અઠવાડિયા સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે તા. 20 ઓગસ્ટના રોજ સુરતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સુરત સિવાય અમરેલી, ભાવનગર, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ જિલ્લામાં સર્વત્ર વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.

ઉકાઈ ડેમ સહિત રાજ્યના 206 જળાશયોની માહિતી મેળવી

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 61 જળાશયો હાઇએલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 21 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું.

Most Popular

To Top