સુરત: છેલ્લા ઘણા દિવસોથી પૈસાનું ગુપ્ત દાન કરવાના બહાને લોકોને ઠગતો ઇસમ ફરી રહ્યો છે. ગતરોજ નવસારી બજારમાં એક મહિલાને ભોગ બનાવ્યા બાદ આવા જ એક ઇસમે વરાછા વિસ્તારમાં રહેતી બે મહિલાઓને પોતાનો શિકાર બનાવ્યો છે. પૈસા અને વીંટીનું દાન કરવાને બહાને એક મહિલાની સોનાની ચેઇન અને અન્ય એક મહિલાનું સોનાનું મંગળસૂત્ર મળી કુલ રૂપિયા 1.20 લાખના દાગીના લઇ ફરાર થઇ ગયો છે. બનાવને પગલે વરાછા પોલીસે અજાણ્યા ઇસમ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં અજાણ્યો ઠગ બાદ ઇસમ ખાસ કરીને સોનાનો દાગીના પહેરેલી મહિલાઓને છેતરી રહ્યો છે. થોડા દિવસ અગાઉ પણ આ પ્રકારની ઘટના બનતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે ગતરોજ નવસારી બજારમાં પણ મંદિરે દર્શન કરી પરત ફરતી મહિલાને આ જ રીતે ઠગાઈ કરતો ઇસમ ભેટી ગયો હતો. જો કે હવે આવો જ કિસ્સો વરાછા વિસ્તારમાં પણ સામે આવ્યો છે.
વરાછામાં એલ એચ રોડ પર સૈફી સોસાયટીમાં રહેતા ભીખુભાઇ કેશુભાઇ પટેલની 52 વર્ષીય પત્ની ભાવનાબેન ગત રોજ સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે એક અજાણ્યો ઇસમ તેમના ઘરે આવ્યો હતો. આ દરમિયાન ભાવનાબેનની બાજુમાં રહેતા લીલાબેન સુમેરુભાઇ મહેતા પણ ઘરે આવી ગયા હતા. જેથી ઠગબાજ ઇસમે બંને મહિલાઓને વાર્તામાં ભોળવી હતી તેની પાસે રોકડ રકમ પણ છે અને પોલીસે એક સોનાની વીંટી પણ છે જે બંનેનું તે ગુપ્ત દાન કરવા માંગે છે. પરંતુ જો સોનાની જ કોઇ ચીજ વસ્તુ તમે આપો તો આ વસ્તુ તેને અડાડીને ગુપ્ત દાન કરવાનું તેવી પોતાની માનતા હોવાનું જણાવ્યું હતું.
જેથી ભાવનાબેને પોતાની સોનાની રૂપિયા 40 હજારની ચેઇન અને લીલાબેને રૂપિયા 80 હજારनु સોનાનું મંગળસૂત્ર આ ઇસમના હાથમાં આપ્યું હતું. સોનાની ચેઇન અને મંગળસૂત્ર રૂમાલમાં બાંધી દઇ બંને મહિલાઓને આંખ બંધ કરવા જણાવ્યું હતું. જો કે આગ બંધ કરતાંની સાથે જ આ અજાણ્યો ઇસમ આંખના પલકારામાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જો કે બાદમાં મહિલાને છેતરપિંડીની જાણ થતા તેઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અજાણ્યા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.