સુરત: ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા છે. જેના કારણે હથનુર અને પ્રકાશા સહિતના ડેમમાંથી મોટા પાયે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ જથ્થો સીધો ઉકાઈ ડેમ સુધી પહોંચી રહ્યો છે, જેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધીને 1.11 લાખ ક્યુસેક પર પહોંચી હતી.
વિતેલા ચોવીસ કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જે પૈકી ટેસ્કામાં 22 મીમી, અકોલામાં 59 મીમી, વાનખેડમાં 14 મીમી, લુહારામાં 107 મીમી, સેલગાવમાં 14 મીમી, ધુપેશ્વરમાં 13 મીમી, હથનુરમાં 12 મીમી, પીંપળીમાં 16 મીમી, સાવખેડામાં 44 મીમી, ગીરનામાં 13 મીમી, દહીગાવમાં 39 મીમી, ધુલિયામાં 16 મીમી, ગીધાડેમાં 24 મીમી, શીંદખેડામાં 13 મીમી, ડામરખેડામાં 29 મીમી, ખેતિયામાં 37 મીમી, દુસખેડામાં 28 મીમી, બમ્બરૂલામાં 26 મીમી, ઉકાઈમાં 31 મીમી, ચોપડવાવમાં 13 મીમી અને કાકડીમ્બામાં 17 મીમી વરસાદ નોંધાયો છે.
હથનૂરમાંથી 47 હજાર, પ્રકાશામાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાતાં ઉકાઈમાંથી પણ છોડવાની ફરજ પડી
સતત વરસાદને કારણે હથનુર ડેમમાંથી આજે 47 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું, જ્યારે પ્રકાશા ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી ઉકાઈ ડેમ સુધી પહોંચતા આજે સાંજે ઉકાઈ ડેમમાં 1.11 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.
પાણીની આવક વધતા ઉકાઈ ડેમમાંથી 7 ગેટ 6 ફુટ ખોલીને 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 335.96 ફૂટ નોંધાઈ છે. ઉકાઈ ડેમનું હાલનું રૂલ લેવલ 335 ફુટ છે, પરંતુ 1 સપ્ટેમ્બરની મધરાતથી ડેમનું રૂલ લેવલ વધારીને 340 ફુટ કરવામાં આવશે.