આણંદ : આણંદ જિલ્લામાં રાજ્યભરની સાથે સોમવારથી 15થી 18 વર્ષના કિશોર – કિશોરીને કોરોના પ્રતિરોધક રસી આપવાના અભિયાનનો પ્રારંભ થશે. જિલ્લાના 277 સબ સેન્ટર અને 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશરે 1.08 લાખ કિશોરને રસી આપવામાં આવશે. જોકે, આ અભિયાનમાં માધ્યમિક શાળાઓ સાથે પણ સંકલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.ટી. છારીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં 3જી જાન્યુઆરી, 2022થી 15થી 18 વર્ષના 1,08,858 કિશોર – કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. 15થી 18 વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે રાજય સરકારની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા 3જી જાન્યુઆરી-2022 થી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં 277 સબ સેન્ટર, 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અને જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં ભણતા બાળકોને રસી આપવા માટે શિક્ષણાધિકારી સાથે સંકલન કરી આયોજન કરવામાં આવ્યુ છે.
ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને બુસ્ટર ડોઝ અપાશે
આણંદ જિલ્લાના તમામ હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને પણ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં 10મી જાન્યુઆરી, 2022 પછી 13,528 હેલ્થ વર્કર અને 15,752 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને પ્રીકોશન (બુસ્ટર) ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ દ્વારા ભૂમેલથી રસીકરણનો પ્રારંભ કરાશે
કોવિડ-૧૯ ની ગંભીર મહામારીથી બાળકોને સુરક્ષિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની વય જૂથના તમામ બાળકોને કોવિડ રસીકરણથી આવરી લેવાની અપીલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લામાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજકુમાર દેસાઇ તા.૦૩/૦૧/૨૦૨૨ને સોમવારના રોજ એસ.એન.વી. સ્કુલ, ભૂમેલ ખાતે સવારે ૯.૦૦ કલાકે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનુ કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ કરાવવામાં આવશે. જિલ્લામાં આયોજન મુજબ તબક્કાવાર તમામ શાળાઓ આવરીને કોવિડ-૧૯ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં વર્ષ ૨૦૦૭ અને તેનાથી પહેલા જન્મેલા તમામ બાળકો તેમજ શાળાએ જતા, ન જતા તેમજ અન્ય શૈક્ષણીક સંસ્થામાં અભ્યાસ કરતા તેવા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાહેર જનતાને આ સેવાઓનો લાભ લેવા તેમજ વાલીઓને પોતાના બાળકોનું રસીકરણ કરાવવા અપીલ કરવામાં આવી છે.