નવ હજાર કરોડનું ટર્નઓવર ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંકની વ્યવસ્થાપક કમિટીની 18 બેઠકોની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આજે ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે ડિસ્ટ્રિકટ બેંકના વર્તમાન ચેરમેન નરેશ પટેલ અને વાઇસ ચેરમેન સંદિપ દેસાઇ સહિતના ચાર ઉમેદવારો સામે અન્ય કોઇ ઉમેદવારોએ ફોર્મ નહીં ભરતા ચૂંટણી અધિકારીએ આજે નરેશ પટેલ, સંદિપ દેસાઇ, નયન ભરતીયા અને દિપક પટેલને બિનહરીફ જાહેર કર્યા છે. સત્તાધારી સહકાર પેનલના ત્રણ અને એક અપક્ષ ઉમેદવાર બિનહરીફ થયા છે. અપક્ષ ઉમેદવારે પોતે ભાજપ સાથે સંકળાયેલા હોવાથી ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલ સાથે રહેશે તેવું પત્રકારોને જણાવ્યું હતું.
18 માંથી 4 બેઠકો બિનહરીફ થતા સત્તાધારી પેનલનું પલડું ભારે જણાઇ રહ્યું છે. 16 જાન્યુઆરીએ ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી સત્તાધારી પેનલ દ્વારા કેટલીક બેઠકો પર ભાજપના આગેવાનોને સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જે બેઠકો પર ભાજપ વિરૂધ્ધ ભાજપનો જંગ છે તેવી બેઠકો પર ઉમેદવારી પરત ખેંચાવી કુલ 8 બેઠકો બિનહરીફ થાય તેવા પ્રયાસો મંત્રી ગણપત વસાવા, ઇશ્વર પરમાર, સંદિપ દેસાઇ અને નરેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ આજે હરીફ પેનલના નિઝર-કુકરમુંડા બેઠકના ઉમેદવાર મહેન્દ્ર પટેલ અને બારડોલીની અન્ય મંડળીના ઉમેદવાર કનુ પટેલનું ફોર્મ રદ કરવા ભાજપના આગેવાનોએ દબાણ કરવા છતાં ચૂંટણી અધિકારી સંજય રજવાડી ગાંઠયા ન હતા.
બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારોની યાદી જાહેર ન થતા સંદિપ દેસાઇ તથા અન્ય ઉમેદવારોએ પ્રાંત કચેરીએ ધામો નાંખ્યો હતો અને જે ઉમેદવાર તથા દરખાસ્ત મુકનાર બેંકના બાકીદાર હોય તેવા ઉમેદવારોના ફોર્મ રદ કરવા રજૂઆત કરી હતી. પરંતુ ચૂંટણી અધિકારીએ સંસ્થાના પેટા નિયમો મુજબ ફોર્મ ચકાસણી કરી આખરે સાંજે પાંચ વાગ્યે બંને ઉમેદવારોના ફોર્મ રદ કરવા ઇનકાર કરી ફાયનલ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. તેને પગલે સત્તાધારી સહકાર પેનલને ફટકો પડયો છે. આ બેઠકો પર જો કોઇ ઉમેદવાર ફોર્મ પરત નહીં ખેંચે તો ત્રિકોણીય ચૂંટણી જંગ ખેલાશે. નિઝર કુકરમુંડા બેઠક પર ભાજપ સમર્થિત ઉમેદવાર સુનિલ પટેલ સામે યોગેશ રાજપૂત અને મહેન્દ્ર પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જયારે બારડોલીની અન્ય મંડળીઓની બેઠક પર ભાજપના જીતેન્દ્રસિંહ વાંસીયા સામે ભરત મોહન પટેલ અને સહકારી અગ્રણી કનુ ખુશાલદાસ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે મહેન્દ્ર પટેલ અને કનુ પટેલના ફોર્મ સામે વાંધો લીધો હતો. પરંતુ ચૂંટણી અધિકારીએ ફગાવી દીધો હતો.
ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારીએ બેંક પાસે બાકીદારોની યાદી મંગાવી હતી, તેમાં બંને ઉમેદવારોના નામ ન હતા
સુરત ડિસ્ટ્રિકટ બેંકની ચૂંટણી માટે કલેકટર દ્વારા નિયુકત કરવામાં આવેલા ચૂંટણી અધિકારી-પ્રાંત અધિકારી સંજય રજવાડીએ મહેન્દ્ર પટેલ અને કનુ પટેલની ઉમેદવારી રદ કરવા સામેનો વાંધો એવા ગ્રાઉન્ડ પર ફગાવ્યો હતો કે ચૂંટણીની પ્રક્રિયા જાહેર થઇ ત્યારે ચૂંટણી અધિકારીએ બેંક પાસે બાકીદાર, મતદારો અને ઉમેદવારોની યાદી મંગાવી હતી. બેંકે તે મુજબ બાકીદારોની યાદી પણ મોકલી આપી હતી. આ યાદીમાં મહેન્દ્ર પટેલ અને કનુ પટેલ ઉપરાંત તેમના ફોર્મમાં દરખાસ્ત મુકનાર અને ટેકો આપનારના નામ બાકીદારોની યાદીમાં ન હોવાથી ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારોના ફોર્મ માન્ય રાખ્યા હતા.
ઓલપાડ-કામરેજની અન્ય મંડળીની બેઠક પર અશ્વિન દાઢી સામે માજી ધારાસભ્ય કિરીટ પટેલનો સીધો જંગ
ઓલપાડ-ચોર્યાસી-કામરેજ- માંગરોળ-ઉમરપાડાની અન્ય મંડળીની બેઠક પર અશ્વિન દાઢીને બિનહરીફ ચૂંટાવી લાવવા ભાજપના એક મંત્રીએ વ્યકિતગત રસ લીધો છે. આ બેઠક પર કામરેજ સુગરના ચેરમેન અશ્વિન પટેલ (દાઢી) સામે ડિસ્ટ્રીકટ બેંકના વર્તમાન ડિરેકટર અને માજી ધારાસભ્ય કિરીટ ગંગારામ પટેલ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. આ બેઠક પર અશ્વિન દાઢીને જીતાડવા માટે ભાજપના એક મંત્રી અને સુમુલ ડેરીના માજી ચેરમેનની મદદ માંગવામાં આવી છે. બીજી તરફ સહકારી આગેવાનો કિરીટ પટેલ માટે પ્રચાર કરી રહ્યા છે.