શહેરની સચિન પોલીસની હદમાં કપ્લેથા ચેકપોસ્ટ પર સોમવારે સાંજે વાહનોના ચેકિંગ દરમિયાન ૩ કરોડ જેટલી રકમ લઈને આવી રહેલી એટીએમ વાનમાંથી 5490 રૂપિયાનો દારૂ મળતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે બે સિક્યુરિટી ગાર્ડ સહિત 4 વિરુદ્ધ ગુનો દાખલ કરી બાદમાં બેંક અધિકારીઓને જાણ કરી હતી.
શહેરમાં ખેપિયાઓ દારૂની હેરફેર માટે અવનવા રસ્તા શોધી કાઢતા હોય છે. ક્યારેક એમ્બ્યુલન્સમાં તો ક્યારેક શાકભાજીના ટેમ્પોમાં દારૂની હેરફેર કરતા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. આ વખતે સચિન-નવસારી રોડ પર આવેલી કપ્લેથા ચેકપોસ્ટ ઉપર બેંકની એટીએમ કેશવાનમાં દારૂનો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. કપ્લેથા ચેકપોસ્ટ પર સોમવારે સાંજે વાહન ચેકિંગ દરમિયાન એટીએમ કેશવાનનું ચેકિંગ કર્યું હતું. કેશવાનમાં કેશ મૂકવામાં આવી હોય તે પાછળનો ભાગ લોક હતો. ડ્રાઇવરના કેબિનને ચેક કરતાં તેમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો.
એટીએમ કેશવાનમાંથી દારૂની બોટલ મળતાં પોલીસે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ સુરક્ષા વ્યવસ્થા સાથે કરોડોની રકમ ભરેલી કેશવાનને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. ચેકિંગમાં ડ્રાઇવરના કેબિનમાંથી 5490 દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કેશવાનના બે સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ જણા દારૂની બોટલની હેરાફેરી કરતા હતા. પોલીસે કેશવાનના ડ્રાઇવર ગણેશ પાટીલ, બે સિક્યુરિટી ગાર્ડ વિનોદ યાદવ અને શૈલેન્દ્ર યાદવ ઉપરાંત સંજય પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.દેસાઇએ જણાવ્યું હતું કે, એટીએમમાં કેશ લોડ કરવાની કામગીરી કરતી એજન્સી દ્વારા એક્સિસ બેંકના ૩ કરોડ રૂપિયાની રકમ લઇ કેશવાન સેલવાસથી સુરતની અલગ-અલગ બેંકમાં જઇ રહી હતી. કેશવાનમાંથી દારૂનો જથ્થો મળતાં પોલીસે બેંક અધિકારીઓને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. પોલીસે બેંક અધિકારીઓની હાજરીમાં કેશ વાનનું પુનઃ ચેકિંગ કર્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.