SURAT

નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી: મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી અગ્નિદાહ કરાવી દેતા ભારે વિવાદ

કોરોનાના સંક્રમણ વચ્ચે નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં આજે એક ગંભીર બેદરકારી સામે આવી હતી. મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દેવાયો હતો. હિન્દુ પરિવાર મહારાષ્ટ્રમાં લઈ જઈ મહિલાનું અગ્નિસંસ્કાર કરી દેતા મુસ્લિમ પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો શહેરના સૈયદપુરા રાજાવાડી વિસ્તારમાં રહેતી 38 વર્ષીય શબાના શાલીમ અંસારી કોરોના સંક્રમિત થતા કોવિડ હોસ્પિટલમાં દાખલ હતી. ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મોતને ભેંટી હતી. તે જ સમયે મહારાષ્ટ્ર ડોંડાઈચાની 54 વર્ષીય સુશીલાબેન દત્તાત્રય બાગુલનું પણ કોરોનાથી મોત થયું હતું.

સુશીલાબેન પણ સારવાર અર્થે મહારાષ્ટ્રથી સુરત કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. કોવિડ હોસ્પિટલમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓનો નિકાલ વિવિધ સંસ્થાઓ કરી રહી છે. ત્યારે ખાન ટ્રસ્ટના મૃતદેહને ડિસ્પેચ કરનાર વ્યક્તિએ ભૂલથી શબાના અંસારીનો મૃતદેહ બાગુલ પરિવારને સોંપી દીધો હતો. દત્તાત્રય બાગુલને પણ વયસ્ક હોવાથી ચહેરો બરાબર દેખાયો નહોતો અને તેમને બોડી સ્વીકારી લીધી હતી. ત્યારબાદ પરિવારે અશ્વીનીકુમાર સ્મશાન ગૃહમાં જઈ મહિલાની અંતિમવિધી કરી હતી. બાદમાં બાગુલ પરિવાર મહારાષ્ટ્ર ડોંડાઇચા જવા નીકળી ગયો હતો. આજે સવારે શબાનાનો પિરવાર મૃતદેહ લેવા આવ્યો તો કલાકો સુધી મૃતદેહ મળ્યો નહોતો.

જેથી મુસ્લિમ પરિવાર રોષે ભરાતા કોવિડ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. તેમના સ્વજનનો મૃતદેહ આખરે ગયો કયાં આ વાતને લઈને ભારે નારાજગી અને આક્રોશ હતો. પરિવારે હોસ્પિટલ માથે લેતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું. બીજી બાજું પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસ કોવિડ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસે પરિવારને સમજાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દેતા ભારે હોબાળો કોવિડ હોસ્પિટલમાં થયો હતો. જેને પગલે હોસ્પિટલનું તંત્ર, પોલીસ અને સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ પણ પહોંચી ગયા હતા. કલેક્ટરે હોસ્પિટલના તંત્ર સાથે બેઠક યોજી હતી. કલેક્ટરે તપાસ કમિટી રચવા સૂચના આપી હતી. જેના પગલે હોસ્પિટલ તંત્રએ તપાસ કમિટી રચી ડો.ગણેશ ગોવેકર, ડો.હરિ મેનન અને માઈક્રોબાયોલોજી વિભાગના ડો.સોમૈયા મુલ્લાને તપાસ સોંપી છે. કમિટી દ્વારા સમગ્ર ઘટનામાં કોની ભૂલ છે તે અંગે તપાસ કરી રિપોર્ટ સોંપાશે.

બાળકોને માતાના અંતિમ દર્શન પણ નહીં થયા
શબાનાના પતિ શાલીમનું પાંચ વર્ષ અગાઉ મોત નીપજ્યું હતું. જયારે માતા શબાનાનું ગઇકાલે કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શબાનાને સંતાનમાં ત્રણ બાળકો છે. પિતાના મોત બાદ માતાને પણ કોરોના ભરખી જતા ત્રણેય બાળકો નોંધારા બન્યા હતા. બીજી તરફ બાળકોને માતાના અંતિમ દર્શન પણ નસીબ થયા નહોતા.

શબાનાના અગ્નિદાહ બાદ સુશીલાનો મૃતદેહ ભત્રીજાએ ઓળખી બતાવ્યો
ગઇકાલે રાત્રે સુશીલાના અદિવાસી પરિવારે શાબાનાને પોતાની પત્ની દર્શાવી તેનો અગ્નિદાહ કરાવી દીધો હતો. ત્યારબાદ પરિવાર દોંડાઇચા પહોંચી ગયું હતું. સિવિલ હોસ્પિટલ તંત્ર તથા ખટોદરા પોલીસે સુશીલાના પરિવારને તેનો ફોટો મોકલી આપ્યો હતો. ત્યારે પતિએ પત્ની તરીકે શબાનાને દર્શાવી હતી.

પોલીસે ઘરના અન્ય સભ્ય એવા ભત્રીજાનો પણ ફોટો મોકલતા તેને કાકીનો ચહેરો ઓળખી કાઢ્યો હતો. હોસ્પિટલ તંત્રએ પણ સુશીલાના પરિવારને મૃતદેહ લેવા માટે સુરત બોલાવતા પરિવારે સુરત આવવાની ના પાડી દીધી હતી. બાદમાં સુશીલાનો પરિવારે ફોન ઉંચકવાનું પણ બંધ કરી દીધું હતું. જોકે પોલીસે તેમને સમજાવતા સુશીલાબેનનો પુત્ર અને ભત્રીજો સુરત આવવા તૈયાર થયા હતા.

હોસ્પિટલ તંત્રને મધરાતે જ મૃતદેહ બદલાયાની જાણ થઈ હતી
હોસ્પિટલના તંત્રને મધરાતે જ મૃતદેહની અદલા બદલી થઈ હોવાની જાણ થઈ ગઈ હતી. રાત્રે ઓપરેટર દ્વારા મૃતદેહોની એન્ટ્રી કરવામાં આવી રહી હતી ત્યારે શબાનાનો મૃતદેહ ગાયબ હતો. શબાનાનો મૃતદેહ પરિવાર સવારે લઈ જવાનું કહીને ગયા હતા. તો પછી મૃતદેહ ક્યાં ગયો તેની શોધખોળ કરાઈ હતી. ખાન ટ્રસ્ટ દ્વારા શબાનાના મૃતદેહ સુશીલા સમજી અંતિમવિધી કરી દેવાઈ હોવાનું ત્યારે સામે આવતા સ્ટાફ ફફડી ઉઠ્યો હતો. તાત્કાલિક અધિકારીઓને જાણ કરતા ડો. લક્ષ્મણ અને ડો.પરેશે સ્થળ પહોંચી તપાસ કરી હતી. રાતથી જ તંત્રની ઉંઘ આ ઘટના બાદ ઉડી ગઈ હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top