પીપોદરામાં કાચા ઓઇલનો વેપાર કરતા વેપારીની પાસેથી બે અલગ અલગ પોલીસે 4 લાખ માંગી તેના વચેટીયાએ પણ પોતાના 50 હજાર અલગથી માંગીને કુલ્લે સાડા ચાર લાખની લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે. લાંચની રકમ લેવા બદલ વચેટીયો અને વિસર્જીત આરઆરસેલના એએસઆઇ એસીબીના હાથે રંગેહાથ પકડાયા છે. પોલીસે તેઓની પાસેથી લાંચની 2 લાખની રકમ પણ કબજે કરી છે. બીજી તરફ એલસીબીનો એક કર્મચારી હજુ પણ વોન્ટેડ છે અને તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસમાંથી થોડા દિવસ પહેલા જ વિસર્જન કરાયેલા રેન્જ ઓપરેશન ગ્રૂપ (આર.આર.સેલ)ના જમાદાર મહાદેવ સેવાઇકરએ પીપોદરામાં કાચા ઓઇલ (બાયોડિઝલ)નો વેપાર કરતા વેપારીને ત્યાં જઇને ધમકાવ્યો હતો. પોલીસે તેની પાસેથી લાયસન્સ સહિતના દસ્તાવેજો માંગ્યા હતા જો કે, વેપારી ગેરકાયદેસર વેપાર કરતો હોય તેની પાસેથી 2 લાખની લાંચ માંગવામાં આવી હતી. મહાદેવએ સુરત ગ્રામ્યના એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિપક મૈસુયીરાને પણ આ વાત કરી હતી. ત્યારબાદ દિપક મૈસુરીયો જાતે જ વેપારી પાસે ગયો હતો અને ધમકી આપી હતી કે, જો તમારે વેપાર કરવો હોય તો રૂા. 2 લાખ આપવા પડશે. આરઆરસેલના બે લાખ અને એલસીબીના બે લાખ મળી કુલ્લે ચાર લાખની લાંચની માંગણી કરાઇ હતી.
આ બંને રકમ મહાદેવ સેવાઇકરએ પોતાના અંગત માણસ વિપુલ બલરને આપી દેવા માટે કહ્યું હતું. વિપુલ બલરએ વેપારીને ફોન કરીને પીપોદરામાં તેની ઓફિસે જમા કરાવી જવા જણાવ્યું હતું. બીજી તરફ વેપારીએ આ અંગે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરતા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. ગુરૂવારે મોડી સાંજે એસીબીની ટીમે પીપોદરામાં દરોડો પાડીને ત્યાંથી મહાદેવ સેવઇકર અને તેના માણસ વિપુલ બલરની ધરપકડ કરી હતી. તેઓની પાસેથી રોકડા રૂા. 2 લાખ તેમજ એક સ્કોર્પિયો ગાડી પણ કબજે લેવામાં આવી હતી. જો કે, આ છટકામાં એલસીબીનો કોન્સ્ટેબલ દિપક મૈસુરીયા હાથે લાગ્યો ન હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
સિનિયર અધિકારીઓની પણ સંડોવણી હોવાની પુરેપુરી શક્યતા
એસીબી પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં હાલ તો કોન્સ્ટેબલ અને એએસઆઇ જ લાંચ લેતા પકડાયા છે. પંરતુ આ બંને વ્યક્તિઓની ઉપર ઉપલા અધિકારીઓની ચાર હાથ હોવાની પુરેપુરી શક્યતા છે. જે લાંચની રકમ આપવામાં આવી હતી તેમાંથી કેટલોક ભાગ ઉપલા અધિકારીઓને પહોંચાડવાનો હોવાની માહિતી મળી છે. જે અંગે પણ એસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આવતીકાલે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે
એસીબી પોલીસે એએસઆઇ મહાદેવ અને તેનો માણસ વિપુલ બલરની અટકાયત કરી હતી. બંનેનો કોવિડ-19નો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને તે નેગેટીવ આવતા બંનેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એસીબી પોલીસ બંનેના રિમાન્ડ લઇને વધુ પુછપરછ શરૂ કરશે.
નંબરપ્લેટ વગરની સ્કોર્પિયો ગાડીમાં ફરતા હતા
પોલીસના જણાવ્યા પ્રમાણે મહાદેવ અને તેનો માણસ વિપુલ બલર બ્લેક કલરનો સ્કોર્પિયો ગાડીમાં ફરતા હતા. આ ગાડીમાં નંબરપ્લેટ ન હતા અને પાછળની તરફ નંબરપ્લેટની જગ્યાએ સ્કોર્પિયો લખ્યુ હતુ. પોલીસે તપાસના કામે આ ગાડી પણ કબજે કરી છે અને આ ગાડીના માલિકી સહિતના દસ્તાવેજી પુરાવાઓ કબજે કરવાની તજવીજ કરી છે.