સુરતમાં વિદેશોમાં થતી શાકભાજીઓનું સ્વાદ લોકોને પસંદ પડતા કેટલીક શાકભાજીઓની ડિમાન્ડમાં લગાતાર વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિને પારખીને તેનો લાભ લેવા માટે દક્ષિણ ગુજરાત સહિત દેશભરના ખેડૂતો આતુર બન્યા છે. કેટલાક ખેડૂતોએતો વિદેશોમાંથી બિયારણ મંગાવી તેમના ખેતરોમાં વિદેશી શાકભાજીનો પાક ઉગાડવાની શરૂઆત કરી છે.
પરિસ્થિતિને પારખી ગયેલા કેટલાક ખેડૂતો વિદેશી શાકભાજીના પાકથી મોટી આવક રળી રહ્યા છે. આ વિદેશી શાકભાજીઓનો પાક લેવા માટે ખેડુતોએ નેટ હાઉસ, ગ્રીન હાઉસની પણ વ્યવસ્થા ઉભી કરી છે. અત્યાર સુધી ફાઇવ સ્ટાર હોટેલો અને શ્રીમંત પરિવારોમાં આવી શાકભાજીઓની ડિમાન્ડ વધારે જોવા મળી રહી હતી. જોકે હવે મધ્યમવર્ગીય પરિવારોમાં પણ વિદેશી શાકભાજીની માંગ વધતા સ્થાનિક શાકભાજી માર્કેટમાં તેની ડિમાન્ડમાં ખાસ્સો વધારો થયો છે. સુરત એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટિંગ કમિટીના બાબુ શેખે જણાવ્યું હતું કે વિદેશમાંથી આવતા લોકો ત્યાંની શાકભાજીની ડિમાન્ડ કરે છે. જેને પગલે ધીમે-ધીમે ભારતમાં પણ વિદેશી શાકભાજીનું માર્કેટ ઉભું થયું છે. જેનો લાભ લેવા માટે ખેડૂતો હવે વિદેશથી બિયારણ મંગાવી સ્થાનિક સ્તરે ખેતી કરી રહ્યા છે. જોકે વિદેશી શાકભાજીઓ મોટા ભાગે કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલમાં થાય છે. પરંતુ હવે તે ઘરઆંગણે પણ ઉગતું જોવા મળશે.
કયા કયા વિદેશી શાકભાજીઓનો પાક સ્થાનિક ખેડૂતો લઈ રહ્યા છે?
બ્રોકલી, મશરૂમ, લાલ-પીળા મરચા, ચેરી ટોમેટો, બેબિકોર્ન, સેલરી પત્તા, પાપલી પત્તા, ઇટાલિયન કોબિજ, ચાઇના કોબિજ, લેટેસ્ટ પત્તા