SURAT

સુધરે એ બીજા : કોરોનાના વિસ્ફોટ વચ્ચે ભાજપના નેતાઓએ ફરી ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા

એક તરફ સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે. બીજી તરફ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા એક વર્ષથી ‘દો ગજ કી દૂરી’ જાળવવાનું કહી-કહીને થાકી ચૂક્યા છે. પરંતુ તેમના પોતાના પક્ષ ભાજપના જ હોદ્દેદારો તેને અવગણીને જાણે તેમણે કોઈ નીતિ-નિયમો લાગુ ન પડતાં હોય તેમ વર્તી રહ્યા છે. આજે ફરી આંબેડકર જયંતિના કારક્રમ હેઠળ ભાજપે ‘વટ કે સાથ’ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી ભીડ એકઠી કરી દીધી હતી.

અગાઉ પણ ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદના અભિવાદન કાર્યક્રમોમાં, પછી જિલ્લા-તાલુકા પંચાયતની રેલીઓમાં, સુરત મનપાની ચૂંટણીઓમાં અને ત્યારબાદ જીતના જશ્ન વખતે સત્તાધારી ભાજપ પક્ષ આ મહામારીના સમયે ભારે ભીડ ભેગી કરવા માટે વિવાદોમાં સપડાઇ ચૂક્યું છે.

આમ છતાં આ તમામ વિવાદો અને આ બાબતે સામાન્ય પ્રજાના મનમાં ઉઠતાં રોષની લાગણીને અવગણીને આજે ફરી ભાજપના ટોચના નેતાઓએ ધરાર સુરતમાં આંબેડકર જયંતીની ઉજવણીના નામે ભીડ ભેગી કરી હતી. રિંગરોડ માન દરવાજા પાસે ડો.બાબાસાહેબ આંબેડકરના પૂતળાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે હરખપદૂડા થઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સુરત શહેરનાં મેયર હેમાલી બોઘાવાલા તેમજ અન્ય ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો પહોંચ્યાં હતાં. કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં એકત્રિત થઈને જાણે કોરોના સંક્રમણ ફેલાવવાની કોઈ પરવાહ કે ભય ન હોય એ રીતે વર્તી રહ્યા હોવાનું જણાતું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણી લોકોને સતત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ એ અપીલને ભાજપના જ નેતાઓ ઘોળીને પી જતા હોય એવું સામે આવ્યું છે.

ગાઇડલાઇન્સ તો માત્ર ચાની રેકડી ચલાવનાર, રોજ કમાઈને રોજ ખાનારા માટે જ

સરકારની ગાઇડલાઇન્સ તો માત્ર આંબેડકરની પ્રતિમાની આસપાસની નાની ચાની રેકડી ચલાવનાર, શાકભાજી વેચનાર, પાથરણાં પાથરીને નાનો-મોટો વેપાર કરનાર, રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે છે. ભાજપના નેતાઓ માટે જાણે કોઈ જ નીતિનિયમો લાગુ પડતા નથી. પોતાના જ પક્ષના નેતાઓએ આ મહામારી દરમિયાન રાજ્ય સરકારે જ બનાવેલી ગઈડલાઇનનો અનેક વખત ધરાર ભંગ કર્યો, પરંતુ રાજ્ય કે સ્થાનિક નેતાગીરીને એટલી ખુમારી નથી કે તેમની સામે શિસ્તભંગના એક પણ પગલાં લીધા હોય.

Most Popular

To Top