Dakshin Gujarat

વન નિકંદન કરનારા ચેતે: લાકડા ચોરોને પકડવા માંડવીના વન વિભાગનો સ્ટાફ ખેતરોમાં દોડ્યો

દિવાળીના તહેવારોને ધ્યાને રાખી છેલ્લા 15 દિવસથી વન વિભાગ દ્વારા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. ત્યારે વનવિભાગે માંડવીના રૂપણ ગામે લાકડાંની હેરાફેરી કરતા બે લાકડા ચોરોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ બનાવમાં 65 હજારનાં લાકડાં અને પિકઅપ વાન મળી 4.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરતના નાયબ વન સંરક્ષક પુનિત નૈયરને સીંગલવાણ ગામમાંથી અલગ-અલગ ઘરેથી ચોરીનાં સાગનાં લાકડાં ભરવામાં આવ્યાં હોવાની બાતમી મળતાં માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ રાઉલજી, રાઉન્ડ ફોરેસ્ટર-પીપલવાડાના પ્રકાશ દેસાઈ, ઇનચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર-જેતપુરના પ્રશાંત બારોટ તથા સ્ટાફે તા.3 નવેમ્બરે ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ વોચ ગાઠવી હતી. એ સમયે સવારે 11:30 કલાકે ફેદરિયાથી માંડવી રોડ ઉપર આવતાં રૂપણ ગામે બસ સ્ટેન્ડ પાસે એક બોલેરો પિકઅપ નં.(GJ-19-IX-8353)ને અટકાવી હતી. પરંતુ વનવિભાગનો જોતાં જ ડ્રાઇવર અને અન્ય એક ઈસમે નજીકના ખેતરમાં દોટ મૂકી હતી. આથી વનવિભાગે પણ ચારથી પાંચ ખેતર સુધી દોડી પીછો કરી બંનેને ઝડપી પાડ્યા હતા.

આ ઘટનામાં ઝડપાયેલા બંનેનાં નામ પૂછતાં ડ્રાઇવર મનહર રમણ ચૌધરી (રહે.,સામરકૂવા) અને સલીમભાઈ માનસીંગ વસાવા (રહે.,સીંગલવાણ) હોવાનું જણાવ્યું હતું. એ સાથે વાહનની તપાસ કરતાં ઘાસના પૂડિયા નીચે સંતાડી લઈ જવાતાં સાગી ચોરસા નંગ-50 ઘ.મી. 1.810 મળી આવ્યા હતા. જેની રકમ રૂ.65.518 અને હેરાફેરીમાં વપરાયેલું વાહનની અંદાજિત કિંમત રૂ.4 લાખ મળી કુલ રૂ.4,65,518નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ મુદ્દામાલ સોનગઢના સામરકૂવાના મનહર ચૌધરીના ઘરેથી વાહનમાં ભરી માંગરોળના મોસાલી ખાતે આપવાના હતા. આ બનાવમાં વનવિભાગે ગુનો નોંધી વાહન કબજે લઈ ખેડપુર ડેપો ખાતે મુદ્દામાલ જમા કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top