દ.ગુ.માં ફરવાના સ્થળ તરીકે જાણીતા ઉભરાટથી સામે પાર સુરતના આભવા ગામને જોડતાં મિંઢોળા નદી પરનો બ્રિજ બનાવવા માટે ચાલી રહેલી ગતિવિધીમાં હવે ગતિ આવી છે. આ બ્રિજ માટે રાજ્ય સરકારે અગાઉ 217 કરોડ ફાળવવાની જાહેરાત કરી જ છે ત્યારે હવે આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારની સાથે સુરત મહાપાલિકા અને ડ્રીમ સિટી દ્વારા પણ ભાગીદારી કરવામાં આવશે. આ નિર્ણય સાથે આગામી દિવસોમાં આ બ્રિજ માટેની ડિઝાઈનિંગથી માંડીને અન્ય કામગીરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
સુરતના આભવાથી સામે ઉભરાટને જોડતા બ્રિજ બનાવવા માટે આશરે 500 કરોડથી પણ વધુ ખર્ચ થાય તેમ છે. અગાઉ તત્કાલિન ધારાસભ્ય રણજીત ગીલીટવાળાએ રાજ્ય સરકારમાંથી આ બ્રિજ માટે સૈધ્ધાંતિક મંજૂરી મેળવી લીધી હતી પરંતુ આભવા પાસે ખારપાટની જગ્યા વધારે હોવાને કારણે ખર્ચો મોટો થઈ જતો હોવાથી સુરત મહાપાલિકા દ્વારા આ બ્રિજ માટે નન્નો ભણી દેવાયો હતો. તે સમયે સુરત મનપા અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વચ્ચે આ બ્રિજ માટે ભાગીદારી કરવાની હોવાથી અને રાજ્ય સરકાર માત્ર 217 કરોડ આપવાની હોવાથી સુરત મનપાના માથે 250 કરોડથી વધુનો ખર્ચ આવી જાય તેમ હોવાથી મનપાએ ઈન્કાર કરી લીધો હતો. તે સમયે અટકી ગયેલો બ્રિજ હાલમાં જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત આવ્યા ત્યારે આ બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી.
આ જાહેરાત સાથે જ આ બ્રિજ બનાવવા માટેની કામગીરી ગતિમાં આવી ગઈ હતી. આ બ્રિજ બને તો ઉભરાટ જવું સુરતવાસીઓ માટે સહજ બની જાય તેમ છે. આશરે 25 કિલોમીટરનો રાઉન્ડ અટકીને 7 કિલોમીટર પર આવી જાય તેમ છે. આ માટે હાલમાં ગાંધીનગર ખાતે મીટિંગ પણ મળી હતી. આ મીટિંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગની સાથે સુરત મનપા અને ડ્રીમસિટી દ્વારા પણ ભાગીદારી કરવામાં આવશે. આ કારણે હવે સુરત મનપા પર જે કરોડો રૂપિયાના ખર્ચનો બોજ આવવાનો હતો તે ઘટી જશે. જો 500 કરોડનો બ્રિજ બનવાનો હોય તો સરકારના 217 કરોડ અને બાકીની રકમ બે ભાગે વહેંચાશે. જેથી મનપાના ફાળે 150 કરોડ જેવી રકમ આવે તેવી સંભાવના છે.
જો આ બ્રિજ બનશે તો ફરવાના બે સ્થળો, ડુમસ અને ઉભરાટ નજીક આવી જશે
હાલમાં દ.ગુ.માં ઉભરાટ અને ડુમસ ફરવાના બે સ્થળો છે. ડુમસના ડેવલપમેન્ટ માટે કામગીરી ચાલી રહી છે. જ્યારે ઉભરાટ માટે પણ આગામી દિવસોમાં વિકાસની કામગીરી થાય તેમ છે. જો આ બ્રિજ બની જાય તો ફરવાના બંને સ્થળો નજીક આવી જશે. જેને કારણે સહેલાણીઓની સંખ્યા પણ વધશે.
ચૂંટણી ટાણે બિલ્ડરોને લાભ કરાવવાનો સરકારનો દાવ હોવાની ચર્ચા
ઉભરાટ ખાતે સુરતના બિલ્ડરો દ્વારા કરોડો રૂપિયાની સેંકડો વિંઘા જગ્યા લઈ લેવામાં આવી છે. પરંતુ રીઅલ એસ્ટેટમાં આવેલી મંદીને કારણે સુરતના બિલ્ડરોના પૈસા ફસાઈ જવા પામ્યા હતા. ઉભરાટ બીચ નજીક ફાર્મ હાઉસના અનેક પ્રોજેકટો બન્યા છે. જે વેચાતાં નથી. આ સંજોગોમાં આ બ્રિજ બનતાં જ સુરતના બિલ્ડરોને સીધો ફાયદો પણ થઈ જશે. આ બ્રિજ માટે સરકારની ઉતાવળ જોતાં સરકાર હવે ચૂંટણી ટાણે બિલ્ડરોને લાભ કરાવવા માટે પણ નીકળી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.