મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલા નજીક વિસ્ફોટક ભરેલી કાર મળી આવ્યા બાદ કારનાં માલિક મનસુખ હિરેનની કારમાંથી જ હત્યા કરાયેલી લાશ મળી આવતા આ કેસ સમગ્ર મુંબઈ સહિત દેશ ભરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. સમગ્ર કેસની તપાસ મુંબઈ એ.ટી.એસ.ની ટીમને સોંપતા આ કેસમાં મુંબઈ પોલીસ વિભાગનાં એક અધિકારી સચિન વાઝેની સંડોવણી બહાર આવી હતી.
જેને લઈ તેમને ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કેસની તપાસનો રેલો છેક દમણ સુધી પહોંચવા પામ્યો છે. જેમાં મુંબઈ એ.ટી.એસ.ની ટીેમ દમણના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની રાધામાધવ કોર્પોરેશન કંપનીમાં દરોડો પાડ્યો હતો. આ સાથે તેમના બંગલા પર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી સચિન વાઝે જે વોલ્વો કારનો ઉપયોગ કરતાં હતા તે કાર મળી આવી હતી.
આ કાર અનિલ અગ્રવાલના દીકરા અભિષેક અગ્રવાલ પાસે હોવાનું તથા તેણે જ છુપાવી હોવાનું એન.આઈ.એ.ને જાણવા મળ્યું હતું. જેથી મુંબઈ એ.ટી.એસ.ની ટીમે તરત જ સોમવારની મોડી રાત્રે દમણ ખાતે ધામો નાખી વોલ્વો કારને જપ્ત કરી હતી. કારમાંથી જરૂરી પુરાવાઓ પણ મળવા પામ્યા છે. જેથી એ.ટી.એસ.ની ટીમે જરૂરી પુછપરછ કરવા અર્થે અભિષેકને મુંબઈ લઈ ગયા હોવાનું પણ જાણાવા મળી રહ્યું છે. આ બાબતે રાધામાધવ કોર્પોરેશનના સંચાલક અનિલ અગ્રવાલોનો ટેલિફોન પર સંપર્ક પ્રયત્નો કરાયો હતો, પરુંત કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.
આ કાર મુંબઈમાં રહેતા ઈસ્માઈલ નામના શખ્સની
મળતી માહિતી અનુસાર આ કાર મુંબઈમાં રહેતા ઈસ્માઈલ નામના એક શખ્સની હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આ દિશામાં મુંબઈ એ.ટી.એસ.ની ટીમ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 6 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જો કે, આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અધિકારીઓ પાસે કાર જપ્ત કરી હોવા સિવાયની કોઈ પણ પ્રકારની વિગતો ન હોવાનું જાણવા મળ્યું છે.
અભિષેક અને સિચન વાઝે વચ્ચે શું સંબંધ
ઉદ્યોગપતિના દિકરા અભિષેક અગ્રવાલ અને સચિન વાઝે સાથે ક્યા પ્રકારના સંબંધો હતા અને ઉપરોક્ત બંને કેસમાં કોઈપણ પ્રકારની સંડોવણી હતી કે કેમ એ દિશા તરફ મુંબઈ એ.ટી.એસ.ની ટીમે તપાસ શરૂ કરી દીધી છે. જો કે, આ કેસનો રેલો છેક દમણ સુધી આવતા પ્રદેશમાં આ વાત ટોક ઓફ ધી ટાઉન બની જવા પામી છે.