ગુજરાતમાં મંગળવારે આવેલા ભયાનક વાવાઝોડાએ અમદાવાદને પણ ઝપટમાં લીધું હતું, વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં અંદાજે 2૦૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે ઠેર ઠેર હોર્ડિંગ્સ અને કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા. અમદાવાદમાં દિવાલ પડવાથી 2 વીજ કરંટથી 2 છત ઉપરથી પડી જવાથી એક એમ કુલ પાંચ વ્યક્તિનું મૃત્યુ થયું હતું
વાવાઝોડાએ અમદાવાદ મનપાની વિકાસની પોલ ખોલી નાખતા 2૦૦૦થી વધુ વૃક્ષો ઉખાડી નાખ્યા હતા. જ્યારે પવન સાથે પડેલા વરસાદને કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા, અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા વાવાઝોડાને લઈને આગોતરા આયોજન સહિત અનેક પગલાંઓની વાતો માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હતી.
શહેરમાં પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવા સાથે હોર્ડિંગ્સ અને કાચા મકાનોના પતરા તેમજ દીવાલો ધસી પડવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા. અમદાવાદ શહેરમાં 8૦થી વધુ કાચા તેમજ પાકા મકાનોને નુકસાન થયા હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળી છે.આશ્રમ રોડ પર આવેલા ગુજરાત વિદ્યાપીઠ કમ્પાઉન્ડમાં જ 2૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં મનપા દ્વારા કોઈને કોઈ કારણે ખોદકામ કરવામાં આવતું હોય છે, પરિણામે જમીનમાં પુરાણ ન થવાથી મોટાભાગના વૃક્ષો મૂળથી જ ઉખડેલા જોવા મળ્યા હતા.
અમદાવાદ જિલ્લામાં 200 વીજ થાંભલાને નુકસાન થતાં 264 ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો
વાવાઝોડાને કારણે અમદાવાદ જિલ્લામાં વીજ કંપનીઓના લગભગ 2૦૦થી વધારે થાંભલાઓને નુકસાન થવા પામ્યું હતું. જેને પગલે જિલ્લાના 264 ગામોમાં વીજ પુરવઠો બંધ રહેવા પામ્યો છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત અમદાવાદ શહેરના ચાંદખેડા, નરોડા, નિકોલ, વસ્ત્રાલ, સાબરમતી, રાણીપ વગેરે વિસ્તારોમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં ખાસ કરીને શહેરના ચાંદખેડા અને નરોડા વિસ્તારમા 18 કલાક સુધી વીજપુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. આમ અમદાવાદ શહેરના વિસ્તારોમાં પણ લોકોને લાઇટ વગર રહેવાનો વારો આવ્યો હતો.