ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલા ગામડાઓમાં મંગળવારે છુટો છવાયો કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર ગામડાઓમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી ઋતુચક્રનાં મૌસમે મિજાજ બગાડતા સમયાંતરે કમોસમી વરસાદનાં દસ્તક જોવા મળી રહ્યા છે.
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, સુબિર, વઘઇ, આહવા સહિત પૂર્વપટ્ટીનાં પંથકોમાં સતત પાંચમાં દિવસે પણ વાદળછાયા વાતાવરણનો ઘેરાવો જોવા મળ્યો હતો. જેમાં ગતરોજ સરહદીય અને પૂર્વપટ્ટી વિસ્તારનાં ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
મંગળવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારનાં ગામડાઓમાં દિવસભર વાદળોનો ઘેરાવો રહ્યા બાદ છૂટો છવાયો કમોસમી વરસાદ પડતા અહીનાં સમગ્ર ગામડાઓમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. સાપુતારામાં મંગળવારે વાદળોનાં ઘેરાવા વચ્ચે છૂટો છવાયો કમોસમી વરસાદ પડતા સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યું હંતુ. ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં વાતાવરણનાં પલટાની સાથે સતત પાંચમાં દિવસે માવઠાની અસર વર્તાતા ડાંગી ખેડૂતોનાં ફળફળાદી સહિત અન્ય પાકોને જંગી નુકસાનની ભીતિ વર્તાઈ છે.