પહેલા રાજય સરકારે શાળાઓમાં 25 ટકા ફી માફી યથાવત રહેશે તેવી જાહેરત કર્યા બાદ હવે તેમાં યુ ટર્ન લઈ લીધો છે. કોરોનાકાળમાં શાળાઓમાં 25 ટકા ફી માફી યથાવત રહેશે તેવી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યમાં વાલીઓએ રાહત અનુભવી હતી. પરંતુ હવે શિક્ષણ મંત્રીએ જ પોતાના નિવેદનમાં યુ ટર્ન લઈ લીધો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે આ ફી માફી નવો નિર્ણય ના આવે ત્યાં સુધી જ રહેશે. જેના પગલે ફરીથી વાલીઓમાં ફી મામલે ચિન્તા વધી જવા પામી છે.
વાલીઓનું એવું કહેવું છે કે ગયા વર્ષે તો કોરોનાના કારણે શાળાઓ બંધ રહી છે, તેમ છતાં શાળા સંચાલકોએ ફી ઉઘરાવી હતી. હવે આ વર્ષે પણ 25 ટકા ફીમાં રાહત આપવાને બદલે સરકાર તેમાં પણ પાછી પાની કરી રહી છે. શાળાઓને ઓનલાઈન શિક્ષણમાં કોઈ ખર્ચો નથી, જો કે વાલીઓને ઓનલાઈન શિક્ષણ માટે નવા મોબાઈલ કે લેપટોપ પણ વસાવવા પડ્યા છે, એટલે સરકારે તો આમ તો 50 ટકા ફી માફીની જાહેરાત કરવી જોઈતી હતી.
સરકાર શાળામાં ફી ઘટાડવા ફરજ પાડશે તો શાળા સંચાલકોની કોર્ટમાં જવા ચિમકી
રાજ્યમાં કોરોના મહામારીના પગલે શાળાઓમાં ૨૫ ટકા ફી ઘટાડો નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રહેશે, તેવી જાહેરાત ગઈકાલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કરી હતી. ચુડાસમાના આ નિવેદન સામે રાજ્યના ખાનગી શાળા સંચાલકોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. સંચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો રાજ્ય સરકાર ફી ઘટાડવાની ફરજ પાડશે તો અમે એક કોર્ટમાં જઈશું.
રાજ્યની સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીના નિવેદન સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની આજે તાકીદની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, સ્વનિર્ભર શાળાઓ કોઇપણ જાતનો ફી ઘટાડો કરશે નહીં. રાજ્ય સરકાર દ્વારા ૨૫ ટકા ફી માફીની નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અમને કોઈ જ જાણકારી નથી.
૨૫ ટકા ફી ઘટાડા અંગેનો નિર્ણય શાળા સંચાલકોને મંજૂર નથી. ગત વર્ષે ૨૫ ટકા ફી ઘટાડા બાદ સ્વનિર્ભર શાળાઓની આર્થિક સ્થિતિ ખોરવાઈ ગઈ હતી, અને મોટાભાગના વાલીઓએ ફી ભરવામાં ઉદાસીનતા સેવી હતી. આથી જો ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ફી ઘટાડવા અંગે સંચાલકોને ફરજ પાડવામાં આવશે, તો સંચાલકો કોર્ટમાં જશે. સંચાલકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો આ વર્ષે રાજ્ય સરકાર ફી માફીની જાહેરાત કરશે, તો અમે સરકારના આ નિર્ણય સામે કોર્ટમાં લડી લઈશું.