સતત બે ત્રિમાસિકમાં સંકોચાયા બાદ ભારતીય અર્થતંત્ર હવે સકારાત્મક ટેરિટરિમાં પ્રવેશ્યું છે. ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપીમાં 0.4%નો વધારો જોવા મળ્યો જેનું મુખ્ય કારણ ખેતી, સેવાઓ અને બાંધકામ ક્ષેત્રનો સારો દેખાવ છે એમ સત્તાવાર આંકડા જણાવે છે.
અર્થતંત્ર મંદીમાંથી બહાર આવતા સરકારે એને વી આકારની રિકવરી ગણાવી છે અને કહ્યું કે એ ગતિ પકડે એવી અપેક્ષા છે. 2020ના છેલ્લા ત્રિમાસિકમાં વૃદ્ધિ નોંધાવનાર ભારત જૂજ મોટા અર્થતંત્રોમાંનું એક બન્યું છે. ચીનનું અર્થતંત્ર ઑક્ટોબર-ડિસેમ્બર 2020માં 6.5% વધ્યું હતું.
કોરોના વાયરસના કારણે ટ્રેડ અને હોટેલ ઇન્ડસ્ટ્રીની અવદશા જારી છે. ત્રીજા ત્રિમાસિકમાં આ સેક્ટરમાં 7.7% સંકોચન જોવા મળ્યું. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (એનસીઓ)એ જારી કરેલા ડેટા મુજબ ખેતી ક્ષેત્રે 3.9% અને ઉત્પાદન ક્ષેત્રે 1.6%નો વધારો જોવા મળ્યો. બાંધકામ ક્ષેત્રે 6.2%નો વધારો નોંધાયો.
એનએસએએ કહ્યું કે ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી (2011-12)ના ભાવે રૂ. 36.22 લાખ કરોડ અંદાજાય છે જે 2019-20ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 36.08 લાખ કરોડ હતી. આમ 0.4%ની વૃદ્ધિ દર્શાવે છે.
એનએસએએ 2020-21માં 8%નું સંકોચન અંદાજ્યું છે. જાન્યુઆરીમાં તેણે પહેલા અંદાજમાં 7.7% સંકોચન ધાર્યું હતું. આ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં અર્થતંત્ર અભૂતપૂર્વ રીતે 24.4% સંકોચાયું હતું. બીજા ત્રિમાસિકમાં 7.3%નો ઘટાડો થયો હતો. 2020-21માં માથાદીઠ આવક પણ 2019-20ના રૂ. 94566ની સામે 9.1% ઘટીને 85929 થવાનો અંદાજ છે.