કાલોલ :
કાલોલ પોલીસ મથકે વર્ષ ૨૦૧૭માં નોંધાયેલા મારામારીના કેસમાં કાલોલની એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મહિલા સહિત ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ સઈદભાઈ શબ્બીરભાઈ શુબને કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે સર્વે નંબર ૨૩ પૈકીની ૨ વાળી જમીનમાં નીલગીરી કટીંગ તથા માટી પુરવાનું કામ ચાલી રહ્યું હતું. કામ દરમિયાન જૂની જગ્યાએ ગાડી નાળિયાના ભાગે ફસાઈ જતા જેસીબી દ્વારા માટી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન નજીકના ખેતર તથા મકાન ધરાવતા ફારુકભાઈ ઈસ્માઈલભાઈ દાઉદ, અસફાક ફારુક તથા સાઈરાબીબી ફારુકભાઈએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી નાળિયામાં માટી કેમ નાખો છો તથા વાડ કેમ તોડી નાખી એમ કહી ઝગડો કર્યો હોવાનો આરોપ ફરિયાદમાં મૂકાયો હતો. ફરિયાદ મુજબ ફારુકભાઈએ વાસની લાકડી વડે ફરિયાદીને ડાબા કાનની પાછળ માર મારતા લોહી નીકળ્યું હતું.
આ કેસ કાલોલની એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં આરોપીઓ તરફેથી એડવોકેટ પી.એમ. શેખ હાજર રહ્યા હતા. ઊલટ તપાસ દરમિયાન સાક્ષીઓએ બનાવ નજરે જોયો ન હોવાનું જણાવ્યું હતું, તેમજ બંને પંચોએ પણ બનાવને સમર્થન આપ્યું ન હતું. સારવાર કરનાર ડોક્ટરની ઊલટ તપાસમાં ઈજા સામાન્ય પ્રકારની હોવાનું અને ઈજા કોણે કરી તે અંગે હિસ્ટ્રીમાં કોઈ નોંધ ન હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં બંને પક્ષકારો વચ્ચે જમીન સંબંધી દાવા તથા તકરારો ચાલતી હોવાની બાબત પણ નોંધાઈ હતી.
આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ કોર્ટમાં સાક્ષીઓની જુબાની અને પોલીસ સમક્ષના જવાબોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો તેમજ મોડી ફરિયાદ અંગે કોઈ સ્પષ્ટ ખુલાસો ન થયો હોવાનું કોર્ટએ નોંધ્યું હતું. નજરે જોનાર કોઈ સીધો સાક્ષી ન હોવાને કારણે એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એફ.બી. પઠાણ દ્વારા ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા