Vadodara

હોસ્પિટાલિટી માટે ઉપયોગ થતા ફલેટ્સના સીલ ખોલવા વડોદરા મનપાને આદેશ

અરજદાર જે.બી.ત્રિવેદી હોસ્પિટાલિટી પ્રા.લિ ને બે દિવસમાં જરૂરી બાંહેધરી વડોદરા મનપામાં રજૂ કરવા હાઇકોર્ટનો નિર્દેશ
અરજદાર તરફથી બાંહેધરી રજૂ થયેથી મિલ્કતના સીલ ખોલવા અંગે વડોદરા કોર્પોરેશન સત્તાવાળાઓને ગુજરાત હાઇકોર્ટનો હુકમ
વડોદરા:
ગુજરાત હાઇકોર્ટે વડોદરાના જે.બી.ત્રિવેદી હોસ્પિટાલિટી પ્રા.લિના સીલ કરાયેલા ચાર ફલેટના સીલ ખોલવા બાબતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને મહત્ત્વનો હુકમ કર્યો હતો. જસ્ટિસ મોના એમ.ભટ્ટે અરજદાર એન્ટીટીને કોર્પોરેશનની પૂર્વ પરવાનગી વિના ફલેટનો ઉપયોગ હોસ્પિટાલિટી માટે કરવામાં આવશે નહી એ મતલબની બાંહેધરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂ કરવા નિર્દેશ કર્યો હતો અને આ બાંહેધરી રજૂ કર્યેથી જે.બી.હોસ્પિટાલિટી પ્રા.લિ. ચાર ફલેટના સીલ ખોલવા વડોદરા કોર્પોરેશન સત્તાવાળાઓને હુકમ કર્યો હતો.
વડોદરાની જે.બી.ત્રિવેદી હોસ્પિટાલિટી પ્રા.લિ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ શાર્વિલ પી.મજમુદાર દ્વારા એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર વડોદરામાં સમન્વય સ્પ્લેન્ડીડ કો.ઓ.હાઉસીંગ સોસાયટીમાં ચાર ફલેટના માલિક છે અને આ ફલેટ હોસ્પિટાલિટીના હેતુસર લીઝ પર આપ્યા હોવાના કારણોસર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા તા.૧-૧૨-૨૦૨૫ના રોજ અરજદારને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. જેનો અરજદારપક્ષ તરફથી તરત જવાબ પણ આપી દેવાયો હતો. અરજદાર સદરહુ મિલ્કતનો કોઇ કોમર્શીયલકે વાણિજિયક હેતુ માટે ઉપયોગ કરતા ન હતા પરંતુ વિદેશી ટુરીસ્ટ અને એનઆરઆઇ લોકોની હોસ્પિટાલિટી સહિતના ઉપયોગ માટે મિલ્કતનો વપરાશ થતો હતો. જો કે, તેમછતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ ચારેય ફલેટની મિલ્કતોને સીલ મારી દીધા હતા.
અરજદારપક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, અરજદારને હોસ્પિટાલિટીના ઉપયોગના હેતુ માટે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની પૂર્વ પરવાનગી મેળવવાની હોય તે બાબતની જાણ ન હતી અને તેમછતાં તેઓ કોર્પોરેશન સત્તાવાળાઓ સમક્ષ આ અંગેની જરૃરી બાંહેધરી આપવા તૈયાર છે અને જયાં સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા જરૃરી પરવાનગી ના મળે ત્યાં સુધી તેઓ ઉપરોકત મિલ્કતનો ઉપયોગ હોસ્પિટાલિટી માટે કરશે નહી.
દરમ્યાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જણાવાયું હતું કે, કોર્પોરેશને જે કોઇ કાર્યવાહી કરી છે તે કાયદાનુસાર જ કરી છે. અરજદાર જો કોર્પરેશનની માર્ગદર્શિકા મુજબ, મિલ્કત સંબંધી જરૃરી પરવાનગી મેળવી તેનો ઉપયોગ હોસ્પિટાલિટી માટે કરે તો કોર્પોરેશનને કોઇ વાંધો નથી. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે અરજદારપક્ષને બે દિવસમાં જરૃરી બાંહેધરીપત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ સમક્ષ રજૂ રવા અને આવી બાંહેધરી રજૂ થયેથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને અરજદારની મિલ્કતના સીલ ખોલવા અંગે કાર્યવાહી કરવાની રહેશે. આ સાથે હાઇકોર્ટે રિટ અરજીનો નિકાલ કર્યો હતો.

Most Popular

To Top