Comments

હું છું તારી સાથે

મંથન દર વર્ષે ઉનાળાના વેકેશનમાં નાના નાનીના ઘરે રહેવા જાય અને તેનાં મમ્મી પપ્પા તેને મૂકવા જાય અને બીજે દિવસે તેને મૂકીને વળતી ટ્રેનમાં પાછા ફરી જાય.

આ વર્ષે વેકેશન નજીક હતું અને પપ્પા નાના નાનીના ઘરે જવાની ટીકીટ બુકિંગ કરવાની વાત કરી રહ્યા હતા ત્યારે મંથને કહ્યું, ‘પપ્પા એક વાત કહું, હવે હું મોટો થઈ ગયો છું. હું નાના નાની પાસે એકલો જઈશ. તમે મને અહીંથી ટ્રેનમાં બેસાડી દેજો અને નાનાને કહેજો કે મને સ્ટેશને લેવા આવી જાય.’

મમ્મીએ પૂછ્યું,‘ટ્રેનમાં તું એકલો રહીશ, તને ડર નહીં લાગે?’ મંથને હિંમતથી કહ્યું, ‘ના, મને ડર નહિ લાગે.’ મમ્મી અને પપ્પા દીકરાની હિંમત તોડવા માંગતા ન હતા એટલે થોડી ચર્ચા બાદ નક્કી થયું મંથન એકલો જશે.

તેનો જવાનો દિવસ આવ્યો. સવારથી મમ્મી સતત એક પછી એક સૂચનાઓ આપી રહી હતી.પપ્પાએ તો બધી વસ્તુઓ અને શું કરવું અને શું ન કરવું એ લીસ્ટ બનાવી મંથનને દસ વાર વંચાવ્યું હતું.

બધા સ્ટેશન પહોંચ્યા,મંથન ટ્રેનમાં બારી પાસે બેઠો અને મમ્મી અને પપ્પા સામાન ગોઠવી બહાર આવી તેની બારી પાસે ઊભા રહીને વાત કરવા લાગ્યા.બંને જણ હજી પણ એકની એક સલાહ આપી રહ્યા હતા. મંથન બોલ્યો, ‘બસ મમ્મી–પપ્પા આ બધું તમે મને સો વાર કહી ચૂક્યા છો.

ચિંતા ન કરો, હું ધ્યાન રાખીશ.’ ટ્રેન ઉપડવાનું સિગ્નલ મળ્યું અને સીટી વાગી…ટ્રેન હજી શરૂ થાય તે પહેલાં પપ્પાએ એક ચિઠ્ઠી મંથનના ખિસ્સામાં મૂકી અને બોલ્યા, ‘બહુ ડર લાગે કે અમારી યાદ આવે ત્યારે આ ચિઠ્ઠી વાંચી લેજે….’ ટ્રેન ચાલવા લાગી.

મંથને આવજો કહ્યું અને પછી આરામથી મમ્મીએ આપેલો નાસ્તો ખાતાં ખાતાં બારીની બહાર જોવા લાગ્યો.થોડી વાર તેને બહુ મજા આવી. પછી તેને એકલું લાગવા લાગ્યું, પહેલી વાર ટ્રેનમાં અંદર આજુબાજુ બેઠેલા અજાણ્યા લોકોને જોયા…તેમની આવનજાવન અને અવાજો વચ્ચે તેને થોડો ગભરાટ થયો.

કોઈ બોલ્યું, ‘આ નાનો છોકરો સાવ એકલો છે.’ બીજાએ તેની તરફ જોયું તે ડરી ગયો.કોઈકે દયા ખાઈને પૂછ્યું, ‘બેટા, કંઈ જોઈએ છે?’ તે વધુ ડરી ગયો. શું કરવું તેને સમજાતું ન હતું. તે સીટમાં એકદમ ખૂણામાં લપાઈને બેસી ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે તેને યાદ આવ્યું કે પપ્પાએ ખિસ્સામાં એક ચિઠ્ઠી મૂકતાં કહ્યું હતું કે ડર લાગે તો આ વાંચજે.’ તેણે ધ્રૂજતા હાથે ચિઠ્ઠી બહાર કાઢી, તેમાં લખ્યું હતું, ‘દીકરા, હું તારી બાજુના ડબ્બામાં સીટ નંબર ૩૫ પર છું.’  મંથન હસીને પપ્પા પાસે દોડી ગયો.

આ વાત એક પિતાના પ્રેમ અને જવાબદારીની છે.ચાલો, હવે તેને એક આધ્યાત્મિક રૂપક તરીકે સમજીએ.આ જીવન છે અને પરમપિતા પરમાત્મા આપણને આ દુનિયામાં એકલા મોકલે છે, પણ તેમણે પણ આપણા ખિસ્સામાં એક ચિઠ્ઠી મૂકી છે ‘હું હંમેશા તારી બાજુમાં છું’ માટે વિશ્વાસ રાખો કે આપણો ભગવાન હંમેશા આપણી સાથે છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top