પચાસ અને સાંઠના દાયકામાં ફિલ્મોમાં કવ્વાલીનો મુકાબલો જોવા મળતો હતો. ફિલ્મમાં એની રમઝટ એવી જોવા મળતી કે થિયેટર તાળીઓના ગડગડાટ સાથે ગૂંજી ઊઠતું હતું. લોકો એની મન મૂકીને મજા લૂંટતાં હતાં. હવે સમયની સાથે બધું બદલાઈ ગયું છે. કવ્વાલી હવે ભુલાઈ ગઈ છે. ખોવાઈ ગઈ છે. ખેર, હજુ પણ કેટલાંક કવ્વાલીનાં ચાહકો એ જમાનાને યાદ કરે છે. કવ્વાલીના બેતાજ બાદશાહ સંગીતકારો પણ ખરા. એ જમાનામાં દેશભરમાં ઠેર ઠેર કવ્વાલીના કાર્યક્રમ યોજાતા. મુસ્લિમ પરિવારની શાદીના પ્રસંગે વિશેષ કવ્વાલીના મુકાબલા થતા.
આપણા શહેરના ઝાંપાબજાર વિસ્તારમાં પણ રાત્રીના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી કવ્વાલીના મુકાબલા થતા. એ જલસામાં એકાદ વાર આ લખનારે પણ એમાં હાજરી પુરાવી હતી એવું યાદ આવે છે. જાણીતા કવ્વાલો યુસુફ આઝાદ, ઇસ્માઈલ આઝાદ, જાનીબાબુ કવ્વાલી, શકીલાબાનુ ભોપાલી, શંકર શંભુના મુકાબલા જામતા. અહીં કોઈ પણ પ્રકારનો ભેદભાવ જોવા મળતો નહોતો. દરેક ધર્મનાં સંગીતપ્રેમી લોકો પ્રેમથી આ કવ્વાલીના મુકાબલાની મજા લૂંટતા હતાં. મુસ્લિમ બિરાદરો સહિત અન્ય લોકો કવ્વાલોની કવ્વાલી પર ફિદા થઈને નોટોની વર્ષા કરતાં. કાર્યક્રમ યાદગાર બની જતો.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
