હાલોલ:
હાલોલ બાયપાસ રોડ ઉપર કસ્બા તરફ જવાના માર્ગ પર આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના ગોટેગોટા દુરદુર સુધી દેખાતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી અને સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, પાવાગઢ બાયપાસ રોડથી કસ્બા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં રેક્સિન, સિન્થેટિક લેધર, સ્પંજ, પ્લાસ્ટિક તેમજ પી.યુ. જેવા સ્ક્રેપ કચરામાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ આકાશમાં ધુમાડાના મોટા ગોટા ઉઠ્યા હતા.
બનાવની જાણ થતાં હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે પ્રયત્નો છતાં આગ કાબૂમાં ન આવતાં કાલોલ ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. આગના કારણે ગોડાઉનની આસપાસ આવેલા રહેણાંક વિસ્તારોમાં પણ ભય ફેલાયો હતો.
સ્થાનિકોમાં આક્ષેપ છે કે હાલોલ ઔદ્યોગિક વિસ્તારમાં અનેક એકમો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોની અવગણના કરીને ઉદ્યોગોમાંથી નીકળતો વેસ્ટ યોગ્ય રીતે નિકાલ ન કરી આવા સ્ક્રેપ અને ભંગારના ગોડાઉનોમાં ઠાલવે છે. ઘણી જગ્યાએ કોઈ પરવાનગી વગર સ્ક્રેપ ગોડાઉનો કાર્યરત છે અને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા અસરકારક તપાસ થતી નથી. અગાઉ પણ હાલોલમાં આવા ગેરકાયદે ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. છતાં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં ન લેવાતા અધિકારીઓની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોએ તાત્કાલિક કડક કાર્યવાહી અને નિયમિત તપાસની માંગ ઉઠાવી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ